ટૂંક સમયમાં જ નેશનલ રબર પૉલિસી જાહેર કરાશે : સુરેશ પ્રભુ

ટૂંક સમયમાં જ નેશનલ રબર પૉલિસી જાહેર કરાશે : સુરેશ પ્રભુ
મુંબઈ, તા. 18 જાન્યુ. 
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે રબર ઉદ્યોગની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ ઉત્પાદકતાને વધારવા વાણિજ્ય મંત્રાલય નેશનલ રબર પોલિસી ઘડી રહી છે. 10મા ઈન્ડિયા રબર એક્સ્પો, 2019ના ઉદ્ઘાટન સમયે આ માહિતી આપતાં તેમણે ઉમેર્યું કે રબર પોલિસીને પગલે આ ક્ષેત્રનો વિકાસ ઝડપી બનશે, રોજગારની વધુ તકો સર્જાશે, નિકાસ વધશે તેમજ દેશના આર્થિક વિકાસને વેગ મળશે.  
દેશનો રબર ઉદ્યોગ કેટલાંક વૈશ્વિક બજારો ઉપર ઘેરો પ્રભાવ ધરાવે છે અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તેણે વૈશ્વિક ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવી જોઈએ. 
આગામી પાંચ વર્ષમાં દેશ પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનશે તેમ જણાવીને સુરેશ પ્રભુએ ઉમેર્યું કે આ વૃદ્ધિમાં મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રનો ફાળો 20 ટકા રહેશે અને તેમાં રબર ઉદ્યોગનો ફાળો નોંધપાત્ર હશે. દેશમાં કરાયેલાં ઉત્પાદનોને 150 કરતાં વધુ દેશોમાં બજાર મળી રહે તે માટે પ્રયત્નો ચાલુ છે. 
નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર બહુસ્તરીય વ્યૂહરચના ઘડી રહી છે. છેલ્લા 13-14 મહિનામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ મંદ હોવા છતાં ભારતની નિકાસ 10 ટકા વધી છે. નવાં બજારો અને ઉત્પાદનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સરકાર આફ્રિકા અને લેટિન અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા વિચારી રહી છે, જેની પ્રાથમિકતા ભારતીય ઉદ્યોગને ફાયદો થાય તે રહેશે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની સમજૂતીનો મુસદ્દો ઉદ્યોગ સાથેના સલાહ-વિમર્શ સાથે તૈયાર થઈ રહ્યો છે. ત્રણ સ્વતંત્ર સંસ્થાઓને ઉદ્યોગ સાથે વાતચીત માટે નિયુક્ત કરાઈ છે અને આ એગ્રીમેન્ટ માટેની વાટાઘાટો આગળ વધારવા તેઓ તેમના પ્રતિભાવ આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer