છ કરોડ ગુજરાતીઓનું સપનું અમારું સપનું : મુકેશ અંબાણી

છ કરોડ ગુજરાતીઓનું સપનું અમારું સપનું : મુકેશ અંબાણી
ખ્યાતિ જોશી
ગાંધીનગર, તા. 18 જાન્યુ.
સમગ્ર ગુજરાતને ડિજિટલ બનાવવાનો ધ્યેય રાખનાર રિલાયન્સના ચેરમેન અને સીઇઓ મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટ-19ની નવમી આવૃત્તિમાં છ કરોડ ગુજરાતીઓનાં સપનાંને પોતાનું સપનું ગણાવતાં આગામી વર્ષોમાં વધુ રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.
આગામી દસ વર્ષમાં બીજા રૂા. 3 લાખ કરોડથી વધુનાં રોકાણની જાહેરાત કરી હતી. એનાથી દસ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. મુકેશ અંબાણીએ તેમની આગવી અદામાં ગુજરાતને પોતાની જન્મ અને કર્મભૂમિ ગણાવતાં સમગ્ર ગુજરાતને ડિજિટલ કરવાનો ઈરાદો વ્યક્ત કરવા સાથે વડા પ્રધાનને મેન ઓફ એકશન ગણાવ્યા હતા. 
હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં જિઓનું ફોર જી નેટવર્ક સંપૂર્ણપણે કાર્ય કરી રહ્યું છે. જિઓના નેટવર્કથી ગુજરાત અને દેશનું દુનિયાની સાથે ઇન્ફર્મેશન હાઈવેનું નિર્માણ થયું છે. અમે ફોર જીમાં સફળ થયા છીએ અને હવે ફાઈવ-જી માટે પણ તૈયાર છીએ. દુનિયાને વાજબી ડિજિટલ ટેકનોલોજી આપવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમારું ધ્યેય માત્ર સ્માર્ટ સીટી બનાવવું પૂરતું મર્યાદિત નથી. કંપનીના પાંચ મુખ્ય લક્ષ્યાંક છે, જેમાં રિલાયન્સ સ્માર્ટ ટેકનોલોજીના સહારે સ્માર્ટ ગામડાઓ બનાવશે. જિઓ અને રિલાયન્સ રિટેલ મળીને નવું કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે, જે 12 લાખ રીટેલર સુધી પહોંચશે. 
આપણા વૈજ્ઞાનિકો અને ઍન્જિનિયરોએ ઉપયોગી સંશોધનો કર્યાં છે. ઓઈલ ટુ કેમિકલની સફરમાં અમારા ઍન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકોએ નવીનતમ કાર્ય કર્યુ છે. જે થકી જામનગર રીફાઈનરી દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓમાં સ્થાન પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer