વૈશ્વિક ઉદ્યોગોને રોકાણ માટે આવકારે છે ભારત : નરેન્દ્ર મોદી

વૈશ્વિક ઉદ્યોગોને રોકાણ માટે આવકારે છે ભારત : નરેન્દ્ર મોદી
નિલય ઉપાધ્યાય
ગાંધીનગર, તા. 18 જાન્યુ.
ભારતમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રવર્તમાન સમયે સૌથી શ્રેષ્ઠ વાતાવરણ છે. વિશ્વના કોઇપણ ખૂણામાંથી સાહસિક ભારતમાં ઉદ્યોગ સ્થાપવા આવે તો હું તેમના માટે હંમેશાં સક્રિય રહીશ, તેવું આહ્વાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવમી વાઇબ્રન્ટ સમિટના ઉદ્દઘાટનવેળા વૈશ્વિક સમુદાય સમક્ષ ખુલ્લા દિલે કર્યું હતું.
ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વાઇબ્રન્ટ સમિટનો આરંભ થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય કોર્પોરેટસ, વિદેશી-વડા પ્રધાન-મંત્રીઓ તથા પ્રતિનિધિ મંડળોની ઉપસ્થિતિમાં ભારત શા કારણે રોકાણ માટે હવે ઉત્તમ દેશ બની ચૂક્યો છે તેની ઝાંખી કરાવી હતી. વડા પ્રધાને કહ્યું કે, પાછલાં ચાર વર્ષમાં ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142માંથી 77મા ક્રમે આવી ચૂક્યો છે. આવતા વર્ષે 50મા ક્રમે લાવવા અમે કામ કરી રહ્યા છીએ. ભારતમાં થતું ઉત્પાદન સસ્તું પડે અને ઉદ્યોગકાર નિકાસ કરી શકે તેવી નીતિઓ અમે લાવ્યા છીએ. જીએસટી પારદર્શિતા લાવ્યો છે, ડિજિટલ વ્યવહારોએ ઝડપ વધારી છે અને સિંગલ વિન્ડો સિસ્ટમ બિઝનેસને સરળ બનાવી રહ્યો છે.
ભારત હવે તમામ ક્ષેત્રોમાં એફડીઆઇને આવકારે છે. 90 ટકા મંજૂરીઓ ઓટોમેટિક મળે છે. ભારતમાં 263 અબજ ડૉલરનું વિદેશી રોકાણ છેલ્લાં ચાર વર્ષમાં આવ્યું છે, જે પાછલા 18 વર્ષના કુલ રોકાણના 45 ટકા છે.
 દુનિયાભરના દેશો સાથેચાલીને ઉત્પાદન કાર્ય કરે અને પ્રયાસો પણ અમલમાં મૂકે તો કાર્બન ઉત્સર્જન ઘટી જશે. ભારત રિન્યુએબલ એનર્જીમાં દુનિયામાં પાંચમા ક્રમે છે. પવન ઊર્જાના ક્ષેઁત્રમાં ચોથા ક્રમે છે, તેમ વડા પ્રધાને કહ્યું હતું.
ભારતમાં હવે પછીની પેઢી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાઇ રહ્યું છે. બંદરો, રસ્તા, રેલવે, એરપોર્ટ, ટેલિકોમ,ડિજિટલ નેટવર્ક તમામ ક્ષેત્રોમાં મોટું રોકાણ સરકાર કરી રહી છે, તેમ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત વિશાળ સમુદાયને જણાવ્યું હતું.
ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્વાગતપ્રવચન કર્યું હતું. ઉપરાંત મુકેશ અંબાણીએ નવા રોકાણની જાહેરાત અને ભાવિ વિઝનની ઝાંખી કરાવી હતી. તાતા સન્સના ચેરમેન ઓફ બોર્ડ એન. ચંદ્રશેખરને ગુજરાતને રોકાણનું મોટું પ્લેટફોર્મ ગણાવ્યું હતું. રોસનેફ્ટના ગ્લોબલ સીઇઓ ડીડીર કોશીમોરોએ ગુજરાતમાં સ્થાયી વિકાસ દેખાતો હોવાનું કહ્યું હતું. કુમારમંગલમ બિરલા, ટોરેન્ટના સુધીર મહેતા તથા ગૌતમ અદાણીએ રોકાણની વાત કરી હતી.
વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગ અને સંસ્કૃતિનું ફ્યુઝન- વિજય રૂપાણી
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઉદ્યોગ અને સંસ્કૃતિના ફ્યુઝન સમાન બની ચૂકી છે, તેમ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વભરમાંથી આવેલા મહેમાનોના સ્વાગતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસની સાથે ફિલ અૉફ ડુઇંગ બિઝનેસમાં માનીએ છીએ. મુખ્ય પ્રધાને ઉમેર્યું કે, આર્થિક બાબતો અને ધંધાના આદાનપ્રદાનનું આ પ્લેટફોર્મ નથી પણ સંસ્કૃતિ અને લોકો વચ્ચે પણ પરસ્પર આદાનપ્રદાનનો માહોલ બંધાય તે માટેનો છે. વાઇબ્રન્ટ સમિટના સ્વપ્નદૃષ્ટા તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી રહી ચૂક્યા છે. તેમની હાજરી ગર્વસમાન છે. ગુજરાતને રોકાણ માટે શ્રેષ્ઠ બનાવવામાં તેમનો ફાળો બહુમૂલ્ય છે. ગુજરાત હવે ઝડપથી વિકસી રહ્યું છે. ભારતના વિકાસમાં પણ ગુજરાતનું મોટું યોગદાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer