કૅનેડાના ક્રિપ્ટો એક્સ્ચેન્જના સીઈઓના નિધન સાથે અનેક ભારતીયોના અબજો રૂપિયા દફન!

કૅનેડાના ક્રિપ્ટો એક્સ્ચેન્જના સીઈઓના નિધન સાથે અનેક ભારતીયોના અબજો રૂપિયા દફન!
ક્રિપ્ટો એકાઉન્ટસના પાસવર્ડ અને કીઝ માત્ર મૃતકને જ ખબર હતા!
ન્યૂ યૉર્ક, તા. 8 ફેબ્રુ.
કેનેડિયન ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જ કંપની કયોડ્રિગાસી એકસ.ના ચીફ એક્ઝિકયુટિવ અૉફિસર (સીઈઓ) જર્લેડ કોટીનના ભારત પ્રવાસ દરમિયાન અચાનક થયેલા નિધનના પગલે એકાઉન્ટસના તમામ પાસવર્ડ અને કીઝ પણ મૃતક સાથે દફન થતાં વૈશ્વિક રોકાણકારોએ 25 કરોડ ડૉલર ગુમાવ્યા છે. તેમાં અનેક ભારતીયોના એકાઉન્ટસ હતા અને તેમના બ્લેકમની પણ કોટીન સાથે દફન થયા છે.
કેનેડિયન ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જે કહ્યું છે કે તેઓ ગ્રાહકોના 25 કરોડ ડૉલર ચૂકવી શકશે નહીં કારણ કે તેમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ભારતના પ્રવાસ દરમિયાન મૃત્યુ પામ્યા છે. ક્યોડ્રિગાસીએક્સ નામની કંપનીએ કોર્ટમાં કહ્યું કે, તેમના સીઈઓ જર્લેડ કોટીનને જ ભંડોળના એક્સેસ માટેના પાસવર્ડ્સ અને સિક્યુરિટી કીઝની ખબર હતી. 
કંપની ગ્રાહકોનાં નાણાં આપી શકતી ન હોવાથી રોકાણકારોમાં તીવ્ર ગુસ્સો છે, તેમ જ શંકા પણ નિર્માણ થઈ છે. કંપનીએ 14 જાન્યુઆરીના રોજ ફેસબુકના માધ્યમથી જણાવ્યું કે, કંપનીના સહ-સ્થાપક કોટીન ભારતમાં જરૂરિયાતમંદ બાળકો માટે અનાથાલય શરૂ કરવા માટે ગયા હતા. ભારતમાં જ તેમનું ક્રોહન (આંતરડા)ની બીમારીને પગલે 9 ડિસેમ્બરના રોજ મૃત્યુ થયું હતું. 
એફિડેવિટમાં  તેમની પત્ની જેનિફર રોબર્ટસને કહ્યું છે કે, તેમના પતિ એનક્રિપ્ટેડ લેપટોપમાં બિઝનેસનું કામકાજ કરતા હતા. તેમના નોવા સ્કોટિયા ખાતેના ફોલ રિવર સ્થિત ઘરમાં જ તેઓ મોટા ભાગે કામ કરતા હતા. રોબર્ટસનને પણ પાસવર્ડ ખબર નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer