અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતાં સોનું વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 15 ફેબ્રુ.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં તત્કાળ વધારો ન કરી શકે તે પ્રકારના આર્થિક આંકડાઓ આવી રહ્યા હોવાથી સોનામાં મંદી અટકી ગઇ છે. 
ન્યૂ યોર્કમાં શુક્રવારે તેજીનો માહોલ હતો. ન્યૂ યોર્કમાં 1319 ડોલરના સ્તરે સોનું રનિંગ હતું. બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે વેપારયુદ્ધ મામલે શુક્રવારે મોડેથી થનારી વાતચીતમાં કોઇ હકારાત્મક સંકેતો નહીં મળે તેવું બજારને લાગી રહ્યું હોવાથી  નિરાશા ફેલાઇ ગઇ છે. કારણકે અમેરિકા 1 માર્ચની ડેડલાઇન પહેલા કોઇ હળવાશ જકાત મુદ્દે લાવવા માગતું નથી.
અમેરિકામાં રિટેલ વેચાણના આંકડાઓ નીચા રહ્યા છે. વેચાણ ઘટવાને લીધે અર્થતંત્રમાં ધારણા પ્રમાણે વિકાસના સંકેતો મળતા નથી એવું ફલિત થતું હોવાનું એસપી એન્જલના વિશ્લેષક સર્જી રેવસ્કીએ કહ્યું હતું. ડોલરના મૂલ્યમાં આ આંકડાઓ પછી ઘટાડો થવાથી સોનામાં સુધારો હતો. પાછલા બુધવારે ફુગાવો ઘટયો હોવાનું જાહેર થયું હતું એ પણ સોના માટે હકારાત્મક સંકેત હતો. જોકે વ્યાજદર વધારા માટે એ નકારાત્મક બાબત ગણાય.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂ.150ના સુધારામાં રૂ. 33,750 હતું. મુંબઇમાં રૂ. 335 વધતા રૂ. 33,325 હતું. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 15.67 ડોલર હતો. રાજકોટમાં ચાંદી એક કિલોએ રૂ. 350ના ઘટાડામાં રૂ. 39,750 હતી. મુંબઇમાં રૂ. 345 વધતા રૂ. 39,825 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer