શૅર્સ સામે લોન : સેબી નિયમો કડક કરશે

મુંબઈ, તા.15 ફેબ્રુ.
મ્યુચ્યુઅલ ફંડ ગૃહો આગામી સમયમાં લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સને સાથે ધિરાણ આપવાના ખાનગી સોદા કરી શકે નહીં તેવા નિયમો બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) બનાવી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. 
સેબી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઓ પાસેથી શૅર્સ સામે લોન (એલએએસ)ના માળખાની માહિતી પણ માગશે. એવો અંદાજ છે કે મ્યુચ્યુઅલ ફંડ ગૃહોએ $25,000 કરોડથી પણ વધુ ધિરાણ શૅર સામે આપ્યું છે. આદિત્ય બિરલા સન લાઈફ એમએફ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ અને ફ્રેન્કલિન ટેમ્પ્લેટેશન એલએએસએ નોંધપાત્ર ઊંચુ ધિરાણ કંપનીઓના પ્રમોટર્સના શૅર સામે આપ્યું છે. 
થોડાક દિવસો પહેલા જ એલએન્ડટી ફાઈનાન્સ અને એડલવાઈસે આવા પ્રકારના સોદા કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ફંડ્સે આ પ્રવૃત્તિ હવે અટકાવી છે. કેટલાક પ્રમોટર્સએ મ્યુચ્યુઅલ ફંડ ગૃહોને કહ્યું કે, તેમની પાસે માર્જિન ભરવાના નાણાં નથી. આથી કોલેટરલ તરીકે રાખેલા શૅર્સની કિંમત નોંધપાત્ર ઘટી છે. ઝી ગ્રુપ પ્રમોટર્સને આપેલી લોનનું પ્રમાણ આ કેટેગરીમાં ઘટી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ગૃહો સેબીને કહી રહ્યા છે કે તે પ્રમોટર્સને તેમની જવાબદારી પૂરી કરવા માટે વધુ સમય આપે. 
એસએ ઈનવેસ્ટમેન્ટના પાર્ટનર અરુણ મુખરજીએ કહ્યું કે, પ્રમોટર્સ લાંબા સમયથી બજારમાં રમી રહ્યા છે. નવા ડિસ્ક્લોઝર પ્રણાલીથી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સે આવા સોદા ઘટાડવા પડશે. 
નોંધપાત્ર વાત એ છે કે મોટા ભાગની કંપનીઓના ટ્રેઝરી ફંડ્સે મ્યુચ્યુઅલ ફંડ્સની ડેબ્ટ સ્કીમમાં નાણાં રોક્યા છે અને આ ફંડ પ્રમોટર્સે  શૅર સામે લોન લીધી છે. આ રીતે કંપનીના નાણાં ફરીને કંપનીના પ્રમોટર પાસે મ્યુચ્યુઅલ ફંડ મારફતે જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer