પાકિસ્તાનના ઉદ્યોગોની સમસ્યામાં મોટો વધારો થશે

ઈબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
ભારત સરકારે પાકિસ્તાનને એનાયત કરેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આજે પાછો ખેંચી લેતાં પાકિસ્તાનને મળતી જકાત રાહતો અને ભારતથી મુક્ત રીતે થતી નિકાસના લાભો પાકિસ્તાને ગુમાવી દીધા છે. આ પગલાંને કારણે પાકિસ્તાની ઉત્પાદકોને મળતી ભારતીય બજારમાંથી વ્યાપક ખરીદીની તકો હવે ઉપલબ્ધ નહિ થાય. એટલું જ નહિ પાકિસ્તાનનાં સ્થાનિક ઉદ્યોગો વચ્ચે ભાવ યુદ્ધ જામી પડશે અને તેથી ત્યાંના ઉદ્યોગોની સમસ્યામાં મોટો વધારો થશે, એમ એક ભારતીય રૂ નિકાસકારે કહ્યું હતું. ભારતમાંથી સૌથી વધુ નિકાસ રૂ અને ટેક્સ્ટાઈલ ચીજોની થાય છે. ભારત વર્ષે 10 લાખ ગાંસડી રૂની નિકાસ પાકિસ્તાનને કરે છે.  
આ નિકાસકારે કહ્યું હતું કે ભારતમાંથી બીજા નંબરની સૌથી વધુ ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ થાય છે. તદુપરાંત પ્લાસ્ટિક અને તેની બનાવટો, ડાઈઝ પીગમેન્ટ અને અન્ય કલારિંગ સામાન, તેલીબિયાં ખાદ્યતેલ, મેનમેડ સ્ટેપલ ફાઈબર, ન્યુક્લીઅર રિએક્ટર, બોઈલર, મશીનરી વિગેરેની નિકાસ કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ અૉન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સએ ભારત અને દુબઈમાં કરેલા સર્વેક્ષણ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચથી 6 અબજ ડૉલરનો ઇન્ફોર્મલ વેપાર થાય છે. આમાંથી ભારતથી પાકિસ્તાન ખાતે ચાર અબજ ડૉલરની નિકાસ અને ભારતમાં આયાત 1 અબજ ડૉલરની થાય છે.  
વૈશ્વિક કૉમોડિટી બજારના ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ કુશલ ઠક્કર કહે છે કે ભારત સાથેનો પાકિસ્તાન ખાતે સીધો વેપાર તો માંડ બેથી અઢી અબજ ડૉલરનો થાય છે. મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવાતા ભારતના નિકાસ વેપારને ખાસ કોઈ મોટો ફરક પડવાનો નથી. કારણ કે બે દુશ્મન દેશ વચ્ચે આ દરજ્જા અગાઉ થતો વેપાર દાણચોરીના રસ્તે પણ થતો હતો. અન્ય રસ્તો વાયા દુબઈ કે સિંગાપુર મારફતે હતો. હવે જો પાકિસ્તાનને ભારતની ચીજો આયાત કરવી હશે તો વધુ નિકાસ જકાત અને નુર ચૂકવીને કરવી પડશે. આમ હવે કેટલીક સંવેદનશીલ ચીજો માટે પાકિસ્તાનને કોઈ કન્સેશન ઉપલબ્ધ નહિ થાય.  બે દેશ વચ્ચે સૌથી વધુ 50 ટકા જેટલો દ્વિપક્ષીય વેપાર તો રૂ અને કાપડનો હતો. 2006માં સાઉથ ઈસ્ટ એશિયન ફ્રી ટ્રેડ એરિયા (સાફ્તા) કરાર પછી જ બન્ને દેશ વચ્ચેનો વેપાર વધ્યો હતો. પાકિસ્તાન સાથે ધનિષ્ઠ વેપાર કરતા એક ભારતીય નિકાસકારને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતે પાકિસ્તાનનું સ્પેશ્યલ સ્ટેટ્સ પાછું ખેંચી લેવાથી શું ભારતને કશું ગુમાવવાનું આવશે? તેમણે કહ્યું નહીવત, કારણ કે ભારતનો વૈશ્વિક વ્યાપાર 700 અબજ ડૉલર કરતા વધુનો છે તેમાંથી પાકિસ્તાનનો હિસ્સો માત્ર 0.5 ટકા જેટલો જ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer