મુંબઈ, અમદાવાદ, સુરતનાં કાપડબજારો આજે બંધ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, અમદાવાદ, સુરત, તા. 15 ફેબ્રુ.
પુલવામા આતંકી હુમલાના વિરોધમાં આજે શનિવારે મુંબઈ, અમદાવાદ, સુરતનાં કાપડ બજારો બંધ રહેનાર છે. મૂળજી જેઠા ક્લોથ માર્કેટની માલિકી કંપની- ધી ન્યૂ પીસગુડ્સ બજાર કંપની લિ.ના ચૅરમૅન મુકેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ દુષ્કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢી અમે દેશના જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા શનિવારે એમ.જે. માર્કેટ બંધ રાખવાના છીએ. મંગલદાસ માર્કેટ પણ બંધ રહેનાર છે. ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન (ફોસ્ટા)ના અધ્યક્ષ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે શનિવારે સુરતના કાપડ બજારના સમસ્ત માર્કેટો સંપૂર્ણ બંધ રહેશે. ભારત મરચન્ટ્સ ચેમ્બરે કાશ્મીરના પુલવામામાં ઘટેલી આતંકવાદી ઘટનાના વિરોધમાં શનિવાર, 16 ફેબ્રુઆરીએ મુંબઈની તમામ જથ્થાબંધ કાપડ બજારો બંધ રાખવાનું એલાન કર્યું હોવાનું ચેમ્બરના ટ્રસ્ટી અને અગ્રણી વેપારી રાજીવ સિંઘલે જણાવ્યું હતું.
અમદાવાદનાં તમામ કાપડ બજારો સ્વયંભૂ બંધ શનિવારે પાળશે. વળી 4 વાગે ન્યૂ ક્લોથ માર્કેટ ગેટ નં. 4 પાસે કેન્ડલ માર્ચ સાથે એક જાહેર શોકસભાનું આયોજન કર્યું છે, એમ મસ્કતી ક્લોથ માર્કેટ ઍસોસિયેશનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું.
લોખંડ વેપારીઓ શનિવારે બંધ પાળશે
મુંબઈના લોખંડ જગતના વેપારીઓએ આજે કર્ણાક બંદર બજાર ખાતે કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. જેમાં બીમા, સ્ટીલ ચેમ્બર, સુક્રી અને દીસ્મા જેવા અગ્રણી ઍસોસિયેશને ભાગ લીધો હતો અને શનિવારે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. 
`કેઇટ'નો સોમવારે દિલ્હીમાં બંધ
કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી-કેઇટ)એ પુલવામાં આતંકી હુમલાના વિરોધમાં આવતા સોમવારે `દિલ્હી ટ્રેડ બંધ'નું એલાન કર્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer