સુરતની સાડી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી!

સુરતની સાડી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી!
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 15 ફેબ્રુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશ-દુનિયાભરમાં છે. વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાને ધ્યાને રાખીને સુરતના કેટલાક સાડીનાં વેપારીઓએ વડા પ્રધાન મોદીનાં ચિત્રવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી બજારમાં ઉતારી છે. ચૂંટણી પ્રચાર માટે આ સાડીની માગમાં અત્યારથી મોટો વધારો દેખાય છે. 
વિવિધ એક્સક્લુઝિવ રેન્જની સાડીનું ઉત્પાદન કરતાં સુરતનાં સેફ્રોન સારીઝનાં શશાંક પ્રજાપતિ કહે છે કે, અમે વડા પ્રધાન મોદીનાં ફોટોવાળી ડિજિટલ પ્રિન્ટની સાડીઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. અત્યાર સુધી અમને મેરઠ, મુંબઈ, નાશિક, મુઝઝરફરનગર સહિતનાં વિસ્તારોમાંથી વડા પ્રધાન મોદીનાં ચિત્રવાળી સાડીઓનાં ઓર્ડર મળ્યા છે. 
રાજકીય પક્ષો દ્વારા તેનો ઉપયોગ પક્ષના પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવે છે. અમે ડિજિટલ પ્રિન્ટવાળાં મટિરીયલ્સની ડિમાન્ડને ધ્યાને રાખીને સાડીઓને બજારમાં મુકવાનું નક્કી કર્યું હતું. ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. ચૂંટણીઓની તારીખની જાહેરાત થાય તે અગાઉ અમને મોટા ઓર્ડર મળવાની સંભાવના છે. સાડીની કિંમત મટિરીયલ્સનાં આધારે રૂા. 600 થી 650 આસપાસ છે.
નોંધવું કે, અગાઉ સુરતમાં વડા પ્રધાન મોદીનાં ચિત્રવાળા મોદી કુર્તાની ડિમાન્ડ રહી હતી. જેને ધ્યાને રાખીને મોદી કુર્તાનું ઉત્પાદન કરાયું હતું. ગત લોકસભાની ચૂંટણી સમયે પણ સુરતમાં વડા પ્રધાન મોદીનાં ચિત્રવાળી સાડીઓનું વેચાણ રહ્યું હતું. આ વર્ષે હજુ ચૂંટણીઓને લઈને તારીખની જાહેરાત થઈ નથી તે અગાઉ જ મહિલાઓમાં વડા પ્રધાન મોદીનાં ચિત્રવાળી સાડીની ડિમાન્ડ જોવા મળી છે. 
સુરતમાં ચારથી પાંચ સાડીનાં ધંધાર્થીઓએ વડા પ્રધાન મોદીનાં ચિત્ર અને ભાજપનાં ચૂંટણી ચિન્હ કમળનાં છાપવાળી સાડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. શહેરમાં પાંચેક હજાર સાડીનો ઓર્ડર વેપારીઓને મળ્યો હોવાનું બહાર આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer