ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગોને વીજળીની ડયૂટી માફીનું

ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગોને વીજળીની ડયૂટી માફીનું
પ્રમાણપત્ર હવે ઘરે બેઠા 24 કલાકમાં મળશે 
3000 જેટલા નવા તથા વધારાના ઉત્પાદકીય એકમોને લાભ મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.15 ફેબ્રુ.
રાજ્યમાં નવા સ્થપાતા તથા હયાત ઔદ્યોગિક એકમોના પાત્રતા ધરાવતા વધારાના એકમોને ઉત્પાદનની તારીખથી પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડયૂટી ભરવામાંથી માફી આપવાની જોગવાઇને વધુ સરળ, વધુ ઝડપી અને પારદર્શી બનાવવાનો નિર્ણય લેવાયો છે. 
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાત પ્રમાણે ઔદ્યોગિક એકમો અૉનલાઇન અરજી કરીને પાત્રતા સિદ્ધ થયેથી ઇલેક્ટ્રિસિટી ડયૂટી માફીનું પ્રમાણપત્ર 24 કલાકમાં ઘેર બેઠા મેળવી શકશે. રાજ્ય સરકાર આ અંગેના ડ્રાફ્ટ રૂલને મંજૂરી આપી દીધી છે. નિર્ણયથી વર્ષે પાત્રતા ધરાવતા અંદાજે 3000 જેટલા ઔદ્યોગિક એકમો તથા તેના વધારાના એકમોને લાભ મળવાપાત્ર થશે.
ધી ગુજરાત ઇલેક્ટ્રિસિટી ડયૂટી એક્ટ 1958ની કલમ-3(2) અને તે હેઠળના નિયમોમાં ગુજરાતમાં નવા સ્થપાતા કે વધારાના ઔદ્યોગિક એકમોના ઉત્પાદક યુનિટને ઉત્પાદનની તારીખથી પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડયૂટીમાંથી માફી આપવાની જોગવાઇ છે.  પ્રક્રિયામાં વિલંબ નિવારવાનો આ  પ્રયાસ છે.
ડ્રાફ્ટ રૂલ ફાઇનલ થયેથી ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો અૉનલાઇન અરજી કરીને ઇલેક્ટ્રિસિટી ડયૂટી માફીનું પ્રમાણપત્ર ઘરે બેઠા ગણતરીની મિનિટોમાં મેળવી શકશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રથમ બે માસ માટે અમદાવાદ જિલ્લામાં આ પદ્ધતિ અમલી કરાશે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં અમલી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
જો કોઇ ઔદ્યોગિક એકમ દ્વારા અૉનલાઇન ખોટી માહિતી આપીને આ લાભ મેળવવામાં આવશે તો સમીક્ષાને આધિન તાત્કાલિક અસરથી આવો લાભ પાછો ખેંચી લઇને જે તે ઔદ્યોગિક એકમને પ્રાપ્ત થયેલો નાણાકીય લાભ 18 ટકા વ્યાજ સાથે પરત લેવાની પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer