અમેરિકાનો નોપેક કાયદો ક્રૂડતેલમાં ઊથલપાથલ મચાવશે

અમેરિકાનો નોપેક કાયદો ક્રૂડતેલમાં  ઊથલપાથલ મચાવશે
ઈબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
અમેરિકન પ્રતિનિધિ સભાની જ્યુડિશિયરી કમિટીએ ગત સપ્તાહે નોપેક અથવા નો ઓઈલ પ્રોડ્યુસિંગ એન્ડ એક્સ્પોર્ટિંગ કાર્ટેલ્સ એકટ 2019 ખરડાને મંજૂરી આપી દીધી છે અને હવે તે સંસદનાં બન્ને ગૃહોમાં સંયુક્ત મતદાન માટે મૂકવામાં આવશે. આ કાયદાથી જેમને નુકસાન થવાનું છે તે બહુરાષ્ટ્રીય તેલ કંપનીઓ અને વેપારીઓના વિરોધને અવગણીને જો આ ખરડો કાયદો બની જશે તો ઓપેકના જે સભ્ય દેશો ક્રૂડતેલના ભાવ કૃત્રિમ રીતે ઊંચા રાખવાની પ્રવૃત્તિ આદરશે, તેમની સામે અમેરિકન સરકાર કાયદેસરનાં પગલાં લેવાને હક્કદાર બની જશે. અમેરિકન સંસદનો નોપેક કાયદો ક્રૂડતેલની બજારમાં ઊથલપાથલ મચાવશે. તેલ કંપનીઓ અને તેમના લોબીઓએ તો વળતી ધમકી આપી  છે કે આમ કરવાથી અમેરિકન કંપનીઓની પોલ ખૂલી જશે અને અન્ય દેશો સાથે અમેરિકાના સંબંધો ખરાબ થશે.  
આવી નિષ્ફળ દરખાસ્તો છેલ્લાં 20 વર્ષમાં અમેરિકન સંસદ સમક્ષ વારંવાર આવી હતી, પણ વર્તમાન ખરડો પસાર થઇ જવાના સંયોગો ઊજળા છે, કારણ કે પ્રમુખ ટ્રમ્પ લાંબા સમયથી ઓપેકના વલણથી સખત નારાજ છે. કાર્ગો ટ્રાકિંગ સર્વેયર કેપ્લરના મતે ગત ઓપેક દેશોમાંથી અમેરિકા તરફ વહેતો ક્રૂડતેલનો પ્રવાહ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછો હતો. અન્ય એક ઈન્ટેલિજન્સ કંપની કહે છે કે ઈરાની અખાતમાંથી અમેરિકા જતું ક્રૂડતેલ ડિસેમ્બરની તુલનાએ જાન્યુઆરીમાં 36 ટકા ઘટ્યું હતું અને ઓગસ્ટ કરતાં 60 ટકા ઘટાડો દાખવતું હતું.
શુક્રવારે અમેરિકન રીગ કાઉન્ટ એજન્સી બાકર હ્યુજીસે કહ્યું હતું કે 8 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં અૉઈલ રીગની સંખ્યા 7 વધીને 854 થઇ હતી. આ દર્શાવે છે કે અમેરિકા દૈનિક સરેરાશ 119 લાખ બેરલ ક્રૂડતેલ ઉલેચે છે. ઓપેક અને અન્ય તેલ ઉત્પાદક દેશોએ વૈશ્વિક ક્રૂડતેલ પુરવઠો ઘટાડવા 2017થી  ઉત્પાદનમાં વારંવાર કાપ મૂક્યો છે. વર્તમાન કરાર પ્રમાણે તેમણે દૈનિક 12 લાખ બેરલ ઉત્પાદન ઘટાડયું છે. આ કરાર જૂનમાં પૂરો થઇ જશે. તે ચાલુ રાખવા બાબતે વિચાર કરવા આગામી એપ્રિલ 17 અને 18એ ઓપેકની બેઠક વિયેના ખાતે મળશે. 
એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના આંકડા મુજબ અમેરિકાના ક્રૂડતેલ સ્ટોકમાં વેપારી અંદાજ કરતાં 13 લાખ બેરલનો વધારો થયો હતો. વેનેઝુએલા પર અમેરિકાએ લાદેલા વેપાર પ્રતિબંધો અને ઓપેકના ઉત્પાદનકાપને ધ્યાનમાં લેતાં આ સપ્તાહે ક્રૂડતેલ વાયદા સાંકડી વધઘટે અથડાશે. ચીન-અમેરિકા વચ્ચેનો વેપાર વિવાદ અને જાગતિક અર્થતંત્રોમાં ગતિશીલતાનો અભાવ માગ પર પ્રભાવ પાડશે એ જોતાં ભાવ પર દબાણ જળવાઈ રહેશે. શેરબજારમાં ભાવઘટાડાની આશંકા અને મજબૂત ડોલર પણ ક્રૂડતેલના ભાવ પર અસર ઊભી કરશે. તેજીવાળાની મુખ્ય સમસ્યા એ છે કે એક તરફ પુરવઠાની અછત સ્પષ્ટ દેખાય છે પણ માગ સાવ જ નબળી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer