ક્રૂડ અૉઇલ નીચે જતાં પૉલિયેસ્ટર યાર્નના ભાવ કૉટન યાર્નની લગોલગ

ક્રૂડ અૉઇલ નીચે જતાં પૉલિયેસ્ટર યાર્નના ભાવ કૉટન યાર્નની લગોલગ
રૂના વિક્રમ પાકની આશાએ અમેરિકન વાયદો બાવન સપ્તાહના તળિયે
અમારા પ્રતિનિધિઓ તરફથી  
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
અમેરિકા અને ચીન વચ્ચેના વેપારવિવાદથી જાગતિક અર્થતંત્ર પર પ્રભાવ પાડતાં રૂ બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. બુધવારે અમેરિકન રૂ વાયદો બાવન સપ્તાહના તળિયે 69.68 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયો. ચીને અમેરિકન રૂ આયાત પર જકાત નાખવાની જાહેરાત કરી તે અગાઉ 11 જૂનની ઊંચાઈએથી વાયદો અત્યાર સુધીમાં 14 ટકા ઘટ્યો છે. ભારત અને અમેરિકામાં પાક નબળો આવવા છતાં ભાવ ઘટ્યા છે. વેપાર સંઘર્ષને કારણે ક્રૂડતેલના ભાવ નીચે જતાં પોલિએસ્ટર યાર્નના ભાવ કોટન યાર્નની લગોલગ આવી ગયા છે. 
નવી આગાહીઓ એવી છે કે અન્ય નિકાસકાર દેશોની સ્પર્ધા વધતાં રૂના વેપારમાં અમેરિકાનો હિસ્સો ઘટી જવા છતાં 2018ના રૂ પાક વર્ષમાં અમેરિકા 150 લાખ ગાંસડીની નિકાસ સાથે સૌથી મોટા નિકાસકાર તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખશે. પચીસ ટકાની આયાતજકાત નાખીને ચીને 2018ના માર્કાટિંગ વર્ષમાં બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા અન્ય દેશોમાંથી ખરીદી વધારી હતી. ચીન અને મેક્સિકો પછીના નંબરે 2018માં વિયેટનામ સૌથી મોટા આયાતકાર તરીકે ઊપસ્યું છે. આ સપ્તાહે ચીનના કૃષિ મંત્રાલયે રજૂ કરેલા માસિક પાક અહેવાલ અનુસાર 2018-19માં રૂ ઉત્પાદન અગાઉના અનુમાનિત 59.4 લાખ ટનથી વધીને 60.4 લાખ ટન આવવાની સંભાવના છે.  
ચીનના 2018-19ના રૂ આયાતનો અંદાજ પણ 15 લાખ ટનથી વધારીને હવે 16 લાખ ટન મૂકવામાં આવ્યો છે. ચીનનો રૂના વપરાશ અને ઉત્પાદન વચ્ચેનો તફાવત અત્યારે 130 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો)નો છે. 2019મા પુરાંત જથ્થો પણ ઘટીને સામાન્ય સ્તરે પહોંચી જવાનું અનુમાન છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિવાદનું સમાધાન થાય તો 2019માં ચીનનો મિલ વપરાશ વધીને 414 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. અમેરિકાનો આ વર્ષનો કપાસનો વાવેતર વિસ્તાર 130 લાખ એકર મૂકવામાં આવ્યો છે. જો એકરદીઠ ઊપજ 840 પાઉન્ડની ગણવામાં આવે તો ઉત્પાદન અગાઉના 219 લાખ ગાંસડીના અંદાજથી વધીને હવે 227 લાખ ગાંસડી મુકાય છે. 
2019ના પાક વર્ષનો અમેરિકન મિલ વપરાશનો અંદાજ નેશનલ કોટન કાઉન્સિલે 32.4 લાખ ગાંસડી મૂક્યો છે. ભારતની રૂ આયાત 80 ટકા વધવાની શક્યતા ભારતીય વેપારીઓએ મૂકી છે. તેઓ માને છે કે ગતવર્ષે 15 લાખ ગાંસડીની આયાત થઇ હતી, તે આ વર્ષે વધીને 27 લાખ ગાંસડી થશે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ 2018-19નો રૂના પાકનો અંદાજ 330 લાખ ગાંસડી મૂક્યો છે, જે ગત વર્ષે વિક્રમ 365 લાખ ગાંસડી હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer