બિટકોઇન બબલ ફૂટ્યો : 95 ટકા ક્રિપ્ટોકરન્સી મરવા વાંકે મરણપથારીએ

બિટકોઇન બબલ ફૂટ્યો : 95 ટકા ક્રિપ્ટોકરન્સી મરવા વાંકે મરણપથારીએ
વર્ચ્યુઅલ વિશ્વમાં કહેવાય છે કે જેરાલ્ડ કોટનનું જયપુરમાં કુદરતી મોત નહીં ગણતરીપૂર્વકનું મર્ડર હોવાની આશંકા
છેલ્લા 12 મહિનામાં ક્રિપ્ટોકરન્સી બજારે 400 અબજ ડૉલરનું મૂલ્ય ગુમાવ્યું
ઈબ્રાહીમ પટેલ 
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
નવી ઉભરી રહેલી ઇન્ડસ્ટ્રીઝ તરીકે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી સેક્ટર છેલ્લાં એકાદ વર્ષથી મંદીવાળાઓની મજબૂત પકડમાં આવી ગઈ છે, ક્રિપ્ટો વિન્ટર તરીકે તેનું બ્રાન્ડિંગ થઇ રહ્યું છે. છેલ્લાં બારેક મહિનાથી બિટકોઈનનાં 80 ટકા કરતા વધુ ભાવ ગબડી પડ્યા છે અથવા ક્રિપ્ટોકરન્સી બજારે 400 અબજ ડૉલરનું મુલ્ય ગુમાવી દીધું છે. પરિણામે બૅન્કોએ બિટકોઇન અથવા ક્રિપ્ટોકરન્સી બજારમાં ચાંપતી નજર રાખવાનું અથવા તેની સાથેની જોડાણ તમામ યોજના મુલતવી રાખી છે. વિશ્વના પહેલા ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ ફંડના સ્થાપક મેટ હ્યુગાન હવે ચેતવણીના સૂરમાં કહે છે કે બિટકોઇન બબલ ફૂટ્યો તેમાં જગતમાં અસ્તિત્વ ધરાવતા 2000 કરતાં વધુ ક્રિપ્ટોકરન્સીમાંથી 95 ટકા કરન્સી મરવાને વાંકે મરણપથારીએ પડી છે. 
2016મા ભારતમાં નોટબંધીનો અમલ થયો ત્યાર બાદ, 2017મા 19,345 ડૉલરની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચેલા બિટકોઇનનાં ભાવ સ્થિર ગતિએ ઘટતા રહેતા, બ્લોક્ચેઇન ક્રિપ્ટોકરન્સીમાં સ્ટાર્ટઅપ બિઝનેસ કરવાવાળાઓએ દુકાનના પાટિયા બદલીને હજારો નોકરી કાપવાની ફરજ પડી છે. આથી ક્રિપ્ટોબજાર કઈ દિશામાં જશે, તેની રોકાણકારોને ગતાગમ પડતી નથી. 2017મા આખા જગતમાં બિટકોઇનનો ડંકો વાગતો હતો, તેની સાથે રિપ્પલ, એક્સઆરપી, ઈથેરિય્મ જેવા પાછળથી આવેલા કોઈન્સના ભાવ ટકાવારી ધોરણે બિટકોઇનને પણ વટાવી ગયા હતા. ક્રિપ્ટોબજારમાં જેટલી ઝડપે તેજી આવી હતી એટલી જ ઝડપે મંદી પણ આવી.
2018નું વર્ષ શરૂ થતા જ અસંખ્ય રોકાણકારોને ટાઢે પાણીએ નાવાનો વારો આવ્યો, તેમના બિટકોઇન કે ક્રિપ્ટોકરન્સીનાં કોઈ ધણીધોરી ન રહ્યા. 2017ના આરંભે બિટકોઇનનો ભાવ 1000 ડૉલરથી તેજીની સવારીએ ચઢ્યો હતો, ત્યાર પછી જે ઘટના બની તે ઈતિહાસ હતો અને શુક્રવારે ભાવ 3122ના તળિયે જઈ 3600 ડૉલર બોલાય છે. ઈન્ટરનેટ ક્રાંતિએ અસંખ્ય બુદ્ધિશાળી લોકો અને રોકાણકારનાં અબજો ડૉલરનું રોકાણ આકર્ષિત કર્યું હતું. પણ હવે રોકાણકારો માથે હાથ દઈ રોઈ રહ્યા છે. ભાવ અને ક્રિપ્ટોબજારની વોલેટાલિટી કાબુ બહાર ગઈ હતી, બરાબર એજ સમયે રંગરૂટ પ્રકારના નવાણિયા રોકાણકારો સમજણ વગર નાણાંની કોથળી લઈને આ બજારમાં આવી ગયા હતા, તેમનો બધાને તો ક્રિપ્ટોબજારે પાયમાલ કરી નાખ્યા.
2000ના દાયકાના આરંભે જેમ ડોટકોમ બજારનો ફુગ્ગો ફૂટ્યો અને તેની રાખમાંથી ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ અસ્તિત્વમાં આવી તેવું જ અત્યારે બિટકોઇન સેક્ટરના ઉદ્ભવ અને અંતના આરંભમાંથી નવું કઈક નિર્માણ થવાની ધારણાઓ બંધાઈ રહી છે. એનાલિસ્ટો કહે છે કે જેમ ડોટકોમની રાખમાંથી જે કંપનીઓનું સર્જન થયું તેવું જ કઇક, બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મારફત અત્યારે ફાઇનાન્સિયલ સેક્ટરમાં પરંપરાગત રીતે રંધાઈ રહ્યું છે. કેનેડાના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ક્વાદ્રીગેક્સએ કહ્યું હતું કે અમે ગ્રાહકોના 18 કરોડ ડૉલરની ક્રિપ્ટોકરન્સીને શોધી નથી શકતા, તેથી અમે લેણદારો સામે રક્ષણ મેળવવા અદાલત પાસે ગયા છીએ.
નોવાસ-કોટિયા (કેનેડા)નાં રહેવાસી 30 વર્ષીય જેરાલ્ડ કોટન અને ક્વાદ્રીગેક્સસીએક્સ એક્ચેન્જનાં  સીઈઓ, રાજસ્થાનના જયપુરમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે 9 ડિસેમ્બરે એકાએક મૃત્યુ થયું. વર્ચ્યુઅલ વિશ્વમાં કહેવાઈ રહ્યું છે કે આ કુદરતી મોત ન હતું, તેમને શંકા છે કે આ એક ગણતરીપૂર્વકનું મર્ડર હતું. ક્રિપ્ટોકરન્સી જગતના નિષ્ણાતો કહે છે કે તેમના મૃત્યુ પછી અલોપ થઇ ગયેલી ક્રિપ્ટોકરન્સી, કોઈ ટેક્નિશિયન પાછી મેળવી આપે તેવી કોઈ શક્યતા નથી. લગભગ 1.15 લાખ રોકાણકારો દ્વારા આ પ્લેટફોર્મ પર 18 કરોડની ક્રિપ્ટોકરન્સી અને 7 કરોડ ડૉલર રોકડાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જો 32 કેરેક્ટર અને અંકો ધરાવતા અટપટા પાસવર્ડ કે કી ઉપલબ્ધ નહિ થાય તો કો આ ક્રિપ્ટો કરન્સીનું તાળું કદી ખૂલવાનું નથી. આજે જે પ્રકારે ગણકયંત્રો ખૂબ જ ગુંચવણ ભરી પદ્ધતિથી કામ કરી રહ્યા છે, તેને ધ્યાનમાં લઈએ તો આ ક્રિપ્ટોકરન્સીની વોલેટમાંથી ચોરી પણ સંભવિત નથી. ``આ એક અશક્ય કામગીરી છે.'' 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer