ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ભારત ચાવીરૂપ દેશ : થોમસ વાજદા

ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ભારત ચાવીરૂપ દેશ : થોમસ વાજદા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારત સાથેના ગાઢ સંબંધો અમેરિકાની નીતિના પાયા સમાન છે. આ વિસ્તાર ખુલ્લો, મુક્ત અને સમાવેશક હોવો જોઈએ એવું બંને દેશો માને છે અને ભારતને તેની પ્રાદેશિક તેમ જ વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં સહાયરૂપ થવા અમેરિકા પ્રતિબદ્ધ છે, એમ અમેરિકન રાજદૂત થોમસ વાજદાએ જણાવ્યું હતું. 
મુંબઈમાં ત્રણ વર્ષ સુધી અમેરિકાના કોન્સલ જનરલ રહી ચૂકેલા અને હાલ સ્ટેટ ડિપાર્ટમેન્ટના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના એક્ટિંગ પ્રિન્સિપાલ આસિસ્ટન્ટ સેક્રેટરી થોમસ વાજદાએ પત્રકારોને જણાવ્યું હતું કે સહિયારા ઉદ્દેશોની પૂર્તિ માટે ભારત સાથે અમે દ્વિપક્ષી ધોરણે તેમ જ જપાન અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારો ધરાવતા દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. ભારતને અમેરિકાએ મેજર ડિફેન્સ પાર્ટનરનો અને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરિટી ટીયર 1નો દરજ્જો આપ્યો છે.  
વાજદાએ  કહ્યું હતું કે આ વિસ્તારમાં અમેરિકાની અને અન્ય ખાનગી કંપનીઓની આગેવાની નીચે આર્થિક વિકાસને વેગ આપવો એ અમેરિકાની નીતિનું એક મહત્ત્વનું અંગ છે. ઈન્ડો-પેસિફિક વિસ્તારના દેશો સાથેનો અમેરિકાનો દ્વિપક્ષી વેપાર 2017માં 18 લાખ કરોડ ડોલરનો હતો અને અમેરિકાનું સીધું મૂડીરોકાણ 940 અબજ ડોલરનું હતું. 
ખાનગી મૂડીરોકાણને વધુ વેગ આપવા માટે ગયે વર્ષે પસાર થયેલા બિલ્ડ ધારા હેઠળ યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના કરાઈ છે, જે અન્ય દેશોમાં રોકાણ કરવા માટે ખાનગી કંપનીઓને વર્ષે 60 અબજ ડૉલરનું ધિરાણ પૂરું પાડશે. અગાઉ આ મર્યાદા 30 અબજ ડૉલરની હતી. 
`અમે આ વિસ્તારમાં ચીનના રોકાણને પણ આવકારીએ છીએ, જો તે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારનું અને મુક્ત તથા પારદર્શક પ્રક્રિયા પર આધારિત હોય. સમસ્યા એ છે કે ચીન આ પ્રથાને અનુસરતું નથી એવું જણાયું છે' એમ વાજદાએ જણાવ્યું હતું. શ્રી લંકાના હમ્બન્તોતા બંદરનો દાખલો આપતાં તેમણે જણાવ્યું હતું કે તેનું મૂલ્ય 1.3 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. પરંતુ તે ખોટ કરવા લાગ્યું. શ્રીલંકન સરકાર કરજ ચૂકવી શકે તેમ ન હતી અને એટલે તેણે આ બંદર ચીનને 99 વર્ષને પટ્ટે આપી દેવું પડ્યું. `આવા પ્રોજેક્ટોની પોસાણક્ષમતા શંકાસ્પદ હોય છે. તેનાથી કરજનું છટકું તૈયાર થાય છે અને આ પ્રોજેક્ટો પરના શ્રીલંકાના સાર્વભૌમત્વ માટે પણ જોખમ ઊભું થયું છે' એમ વાજદાએ જણાવ્યું હતું.  
તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા આ રીતે ચીનની બરોબરી કરવા ઇચ્છતું નથી. `અમારો ઈરાદો ખાનગી ક્ષેત્રને ઉત્તેજન આપવાનો છે. આ વિસ્તારમાં માળખાકીય સવલતો ઊભી કરવા અબજો ડોલરની જરૂર છે. સરકાર એકલે હાથે એને પહોંચી વળે તેમ નથી. આપણે ખાનગી ક્ષેત્રને સામેલ કરવું પડશે' એમ વાજદાએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer