રફાલ કેસમાં ખામીભરી રિવ્યૂ પિટિશનથી અદાલત નારાજ

રફાલ કેસમાં ખામીભરી રિવ્યૂ પિટિશનથી અદાલત નારાજ
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
રફાલ કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિશે પુનર્વિચાર કરવાની માગણી કરતી ખામીભરી અરજીઓ નોંધાવીને મીડિયામાં વ્યાપક પ્રસિદ્ધિ મેળવી લેવાની કેટલાક વકીલોની હરકત પ્રત્યે સુપ્રીમ કોર્ટે આજે નારાજી વ્યક્ત કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી બેન્ચે કહ્યું હતું કે વકીલો અદાલતની રજિસ્ટ્રીમાં અરજીઓ નોંધાવી આવે છે અને તેમાં રહેલી ખામીઓ દૂર કરવાને બદલે પ્રસાર માધ્યમો પાસે પ્રસિદ્ધિ મેળવવા પહોંચી જાય છે.
`ફરિયાદ પક્ષ સાવ નિર્દોષ નથી... અરજદારો મીડિયા સમક્ષ જઈને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી લે છે,' એમ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બેન્ચે જણાવ્યું હતું. ધારાશાત્રીઓ તાત્કાલિક સુનાવણી માટેના કેસોનો ઉલ્લેખ કરી રહ્યા ત્યારે અદાલતની ટિપ્પણી આવી પડી હતી.
અગાઉ 14 ડિસેમ્બરે અદાલતે ફ્રાન્સ પાસેથી 36 રફાલ વિમાનો ખરીદવાના કરારને પડકારતી સંખ્યાબંધ અરજીઓ એમ કહીને રદ કરી હતી કે `નિર્ણય લેવાની પ્રક્રિયા'માં શંકા કરવા માટે ખરેખર કોઈ કારણ નથી, જેને આધારે કૉન્ટ્રાક્ટ રદ કરી શકાય.
આ સોદા વિરુદ્ધ પ્રથમદર્શી અહેવાલ નોંધવાની અને અદાલતની નિગરાની હેઠળ તપાસ યોજવાની માગણી અદાલતે ફગાવી દીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer