બીએસઈમાં સોમવારથી કૉટન વાયદા શરૂ થશે

બીએસઈમાં સોમવારથી કૉટન વાયદા શરૂ થશે
એક જ સપ્તાહમાં ગુવારસીડ વાયદાનું 36 ટકા ટર્નઓવર
મુંબઈ, તા. 15 ફેબ્રુ.
બૉમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને કોટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ) દ્વારા 18મી ફેબ્રુઆરી, સોમવારે સવારે 8.30થી 10.30 દરમિયાન કોટન વાયદા શરૂ કરાશે.
દરમિયાન બીએસઈમાં એગ્રી કૉમોડિટીઝમાં ટ્રેડિંગની શરૂઆતના ગણતરીના દિવસોમાં જ એક્સચેન્જે ગુવારસીડ વાયદાના કુલ ટર્નઓવરનો 36 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. બીએસઈમાં કૉમોડિટી ટ્રેડિંગ શરૂ થતાં હવે આ ક્ષેત્રે દેશનાં જૂનાં અને અગ્રણી પ્લેટફોર્મ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના એનસીડીઈએક્સ સામે ખરી સ્પર્ધાનો આરંભ થયો હોય તેમ જણાય છે.
બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે એગ્રી કૉમોડિટીઝના ટ્રેડિંગમાં ગુવારગમ અને ગુવારસીડ એક્સચેન્જ દ્વારા શરૂ કરાયેલી સૌપ્રથમ કૉમોડિટીઝ છે. ટૂંક સમયમાં જ જેની મંજૂરી અમને સેબી પાસેથી મળી ચૂકી છે, તેવી વધુ એગ્રી કૉમોડિટીઝમાં વાયદાનાં કામકાજ શરૂ કરાશે.
બીએસઈમાં સાતમી ફેબ્રુઆરીએ ગુવારસીડ અને ગુવારગમમાં ટ્રેડિંગની શરૂઆત થઈ હતી. 12મી ફેબ્રુઆરીએ બીએસઈમાં ગુવારસીડ વાયદામાં વિક્રમી રૂા. 73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ગુવારસીડમાં ટ્રેડિંગ શરૂ થયાનાં ત્રણ જ સત્રોમાં માર્ચ વાયદાનું ટર્નઓવર રૂા. 192 કરોડ હતું, જેમાં ઓપન ઈન્ટરેસ્ટ રૂા. 2,450 ટન હતું.
એનસીડીઈએક્સે ગુવારગમના વાયદામાં ડિસેમ્બરમાં  રૂા. 3,670 કરોડ તેમ જ જાન્યુઆરીમાં રૂા. 4,107 કરોડ જ્યારે ગુવારસીડ વાયદામાં ડિસેમ્બરમાં રૂા. 7,111 કરોડ અને જાન્યુઆરીમાં 7,700 કરોડ ટર્નઓવર નોંધાવ્યું હતું.
નિકાસ આધારિત કૉમોડિટીઝ - ગુવારગમ અને ગુવારસીડના ભાવમાં વૈશ્વિક પરિબળોને આધારે વધઘટ થયા છે.
ગુવારગમના ભાવ ઉપર ક્રૂડતેલના ભાવની અસર થાય છે, કેમકે તેલના કૂવાના શારકામમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વસ્ત્રો અને કાગળ બનાવવા તેમ જ વિસ્ફોટકો અને કાચી ધાતુના પ્લવન (ફ્લોટેશન) માટે પણ તેને ઉપયોગમાં લેવાય છે.
ગુવારગમનો ઉપયોગ ખાદ્ય ચીજો, ટેક્સ્ટાઈલ, કાગળ, ફાર્માસ્યુટિકલ અને તેલ ઉદ્યોગમાં ઘટ્ટ કરવાની પ્રક્રિયા તેમ જ બાંધવાની પ્રક્રિયા માટે પણ કરાય છે. અત્યંત રિફાઈન કરેલાં ગુવારગમ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે. તે આઈસક્રીમ, ચીઝ, ઈન્સ્ટન્ટ પુડિંગ અને વ્હિપ્ડ ક્રીમના ઉત્પાદનમાં સ્ટેબિલાઈઝર તરીકે વપરાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer