ઇ-કૉમર્સ કંપનીઓએ નવા એફડીઆઇ ધોરણો સામે ટકી રહેવા પ્લાન બી અપનાવ્યો

ઇ-કૉમર્સ કંપનીઓએ નવા એફડીઆઇ ધોરણો સામે ટકી રહેવા પ્લાન બી અપનાવ્યો
એમેઝોન તેની પાર્ટનર કંપનીઓમાં હિસ્સો વેચવાનો પ્લાન ધરાવે છે 
નવી દિલ્હી,  તા. 15 ફેબ્રુ.
ઇ કૉમર્સ ક્ષેત્રે એફડીઆઇ પૉલિસી વિશે નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન અૉફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિપત્ર બાદ અમલમાં આવેલા અંકુશો પછી વેપારને અસર થાય નહીં તે માટે ઇ કૉમર્સ ક્ષેત્રની મોટી કંપની એમેઝોને પ્લાન બી હેઠળ નારાયણ મૂર્તિની કંપનીઓ અને એપેરિયો રિટેલ સાથે મંત્રણા શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમેઝોન આ કંપનીઓમાં તેનો હિસ્સો ધરાવે છે તેને ફરી વેચવાનો વિકલ્પ વિચારી રહી છે. 
વિદેશી રોકાણ - એફડીઆઇ વિશેના નવા ધોરણોના કારણે સૌથી મોટું નુકસાન ઇ કૉમર્સ પ્લેટફોર્મ ઉપરની વિવિધ મોટી કંપનીઓને થશે, જેમાં ક્લાઉડટેઇલનો સમાવેશ થાય છે, આ કંપની એમેઝોન અને નારાયણ મૂર્તિના પરિવારના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવેલી કેટામારન વેન્ચર્સ અને એપારિયો રિટેલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. જેની માલિકી અમેઝોન ઇન્ડિયા અને અશોક પટની પાસે છે. 
સરકારના નવા ધોરણોના કારણે નાની ઇ કૉમર્સ કંપનીઓ ખુશ છે. શોપ ક્લુઝના સીઇઓ અને સહ સ્થાપક સંજય સેઠીએ કહ્યુ કે મોટી ઇ કૉમર્સ કંપનીઓ દ્વારા કાયદાની છટકબારીનો થતો બેફામ ઉપયોગ આ નવા ધોરણોથી બંધ થશે અને નાના અને મધ્યમ વેપારોને રાહત મળશે.
જોકે, વેપારી સંગઠન કેઇટે આ પગલાંને આવકારતાં કહ્યું છે કે આ ધોરણોનો કઠોરતાથી અમલ કરવો જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer