ઘઉં અને ચોખા સહિત રવી પાકના વાવેતરમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 12 માર્ચ
આ વર્ષે ઘઉં અને ચોખાનું વાવેતર ઓછું થતાં રવી પાકનું અનાજનું એકંદર વાવેતર આગલા વર્ષની સરખામણીમાં આશરે 30 લાખ હેક્ટર ઓછું થયું છે. કૃષિ મંત્રાલયના આંકડા અનુકાર 22 ફેબ્રુઆરી, 2019 સુધીમાં તેલીબિયાં સહિતના રવી પાકનું કુલ વાવેતર 604.29 લાખ હેક્ટર હતું. જે ગયા વર્ષના એ જ સમયે 628.25 લાખ હેક્ટર હતું. ઘઉં અને ચોખાના વાવેતરમાં વાર્ષિક ધોરણે 10 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે.
કૃષિ મંત્રાલયના બીજા આગોતરા અંદાજ અનુસાર ઘઉંનું વાવેતર ગયા વર્ષના 295.76 લાખ હેક્ટરથી ઘટીને 290.83 લાખ હેક્ટર થયું છે. જ્યારે રવી ડાંગરનું વાવેતર 44.36 લાખ હેક્ટરથી ઘટીને 39.57 હેક્ટર થયું છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પ્રવર્તતી દુકાળ જેવી પરિસ્થિતિને લીધે જાડાં ધાન્યો અને કઠોળના વાવેતરને અસર થઈ છે. જાડાં ધાન્યોનું વાવેતર વાર્ષિક ધોરણે 55.76 લાખ હેક્ટરથી 14.5 ટકા ઘટીને 47.66 લાખ હેક્ટર થયું છે. જાડાં ધાન્યોમાં જુવાર વાવેતર 30.65 લાખ હેક્ટરથી 20 ટકા ઘટીને 24.54 લાખ હેક્ટર અને મકાઈનું વાવેતર 18.49 લાખ હેક્ટરથી 14.2 ટકા ઘટીને 15.87 લાખ હેક્ટર થયું છે. જોકે જવનું વાવેતર 6.6 લાખ હેક્ટરથી વધીને 7.25 લાખ હેક્ટર થયું છે.
કઠોળનું એકંદર વાવેતર 159 લાખ હેક્ટરથી 5.2 ટકા ઘટીને 150.76 લાખ હેક્ટર થયું છે. મહત્ત્વનાં કઠોળ પૈકી ચણાના વાવેતરમાં મહારાષ્ટ્રમાં દુકાળને પગલે 8.4 ટકાનો ઘટાડો થયો છે અને તે 105.61 લાખ હેક્ટરથી ઘટીને 96.75 લાખ હેક્ટર થયું છે. મસૂરનું વાવેતર 15.54 લાખ હેક્ટરથી ઘટીને 14.95 લાખ હેક્ટર થયું છે. અડદ અને મગનું વાવેતર ત્રણેક ટકા ઘટીને અનુક્રમે 9.14 લાખ હેક્ટર અને 9.42 લાખ હેક્ટર થયું છે.
માત્ર તેલીબિયાંના વાવેતરમાં રવી મોસમ દરમિયાન વધારો નોંધાયો છે તે 73.26 લાખ હેક્ટરથી ત્રણેક ટકા વધીને 75.47 લાખ હેક્ટર પર પહોંચ્યું છે. ખાસ કરીને રાયડા-સરસવનું વાવેતર 59.59 લાખ હેક્ટરથી 4.7 ટકા ઘટીને 62.38 લાખ હેક્ટર થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer