ડૉલર નબળો પડતાં સોનામાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12માર્ચ
યુરોપીયન યુનિયન અને બ્રિટન વચ્ચે બ્રેક્ઝિટ મુદ્દે ચાલી રહેલી વાટાઘાટોમાં કોઇ હકારાત્મક સંકેતો બહાર આવશે તેવી અટકળો વચ્ચે સોનામાં નજીવો સુધારો હતો. ચલણ બજારમાં અમેરિકી ડોલરનું મૂલ્ય નબળું પડવાથી પણ સોનાને ટેકો મળ્યો હતો. અલબત્ત ઇક્વિટી બજારમાં તેજીનો માહોલ હોવાને લીધે સોનાનો સુધારો મર્યાદામાં હતો. ન્યૂયોર્કમાં 1297 ડોલરની સપાટીએ સોનું રનીંગ હતું.
કેપીટલ ઇકોનોમિક્સના વિશ્લેષક રોઝ સ્ટ્રેચન કહે છે, ડોલરમાં નબળાઇ બ્રેક્ઝિટને કારણે આવી છે. સોનાને એ કારણે ટેકો મળ્યો છે. ગઇકાલે ડોલર ત્રણ માસની ઊંચાઇએ હતો એટલે સોનું સસ્તું લાગતું હતું. જોકે હવે લેવાલી ઓછી છે. 
બ્રિટનના કાયદા નિષ્ણાતો યુરોપીયન યુનિયન-બ્રિટન જુદા પાડવાની ઘટનામાં મોડી રાત્રે મતદાન કરવાના હતા. કદાચ થેરેસા મે એમાં જીતી જાય તેવી શક્યતા હતી. કોમર્સ બેંકની એક યાદી પ્રમાણે જો મતદાનમાં થેરેસા જીતી જાય તો સોનાના ભાવ ઉપર ફરીથી દબાણ સર્જાવાની શક્યતા છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.10ના મામૂલી ઘટાડામાં રૂા. 33,140 હતો. મુંબઇ સોનું રૂા. 55ના ઘટાડા સાથે રૂા. 32,180 હતું. ન્યૂયોર્કમાં ચાંદી 15.39 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 39,000 સ્થિર હતા. મુંબઇ ચાંદી રૂા. 150 વધીને રૂા. 38,400 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer