કસ્ટમ્સનો વ્યવહાર પેપરલેસ થશે

બિલ અૉફ એન્ટ્રી અને શિપિંગ બિલ્સ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ ધારણ કરશે

એજન્સીસ
ચેન્નઈ, તા. 12 માર્ચ
કસ્ટમ્સ વિભાગ અને બિઝનેસ સમુદાય વચ્ચેના સોદા હવે પેપરલેસ થઈ જવાના છે. સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇનડાયરેક્ટ ટેક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ હવે બિલ અૉફ એન્ટ્રી (આયાત માલસામાનની જાહેરાત) અને શિપિંગ બિલ (નિકાસ માલસામાનની જાહેરાત)ને પેપરના બદલે ઇલેક્ટ્રોનિક રૂપમાં ફેરવી નાખવાનું નક્કી કર્યું છે.
સીબીઆઈસીએ બે નવી પહેલ જાહેર કરી છે. આમાં એક `આઈકોડ' (ઇન્ડિયન કસ્ટમ્સ ઓરીજીનલ ડોક્યુમેન્ટ અૉફ ઇલેક્ટ્રોનિક ડેટા ઇન્ટરચેન્જ) છે જે વેપાર માટેના કસ્ટમ્સ દસ્તાવેજોનું ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન (ટ્રાન્સમીશન) છે. બીજી પહેલ `આઇસડેશ'- ધંધો કરવાની સરળતા માટેનું ડેશબોર્ડ છે જે દરેક પોર્ટ પર દૈનિક ક્લિઅરન્સનું નિરીક્ષણ કરશે. `આઈસડેશ' અત્યારે કસ્ટમ્સ આઈટી સિસ્ટમ આઈસીઈએસ ઉપર ઉપલબ્ધ છે.
`આઈકોડ હેઠળ કસ્ટમ્સ વિભાગ બિલ અૉફ એન્ટ્રી અને શિપિંગ બિલો ઇલેક્ટ્રોનિકલી આયાતકારો-નિકાસકારોને પાઠવશે. દસ્તાવેજો ડીજીટલી સહી કરેલા હશે અને આધારભૂતતા માટે ક્યુઆર કોડ્સ હશે. તે સંબંધિત કસ્ટમ્સ બ્રોકરોના રજિસ્ટર્ડ ઇમેલ આઈડી પર ઈ-મેઇલથી મોકલાશે. આ ઇલેક્ટ્રોનિક (પીડીએફ) કોપીઓ હવે પેપર કોપીઓનું સ્થાન લેશે.
અત્યારે સ્થાનિક વપરાશ માટે માલસામાન ક્લીયર કરતા આયાતકારોને બિલ અૉફ એન્ટ્રીની 4 કોપીઓ આપવી પડે છે. આમાં ઓરીજીનલ અને ડુપ્લીકેટ કોપી કસ્ટમ્સ માટે હોય છે. ત્રીજી કોપી આયાતકાર માટે હોય છે. ચોથી કોપી બૅન્ક માટે હોય છે જે રેમીટન્સની ગોઠવણ કરતી હોય છે. શિપિંગ બિલની બાબતમાં પણ આવો જ વ્યાયામ કરવો પડતો હોય છે. હવે આ બધું ઇલેક્ટ્રોનિકલી કરવાનું રહેશે.
આઈકોડ હેઠળ બિલ અૉફ એન્ટ્રી (પરીક્ષણ માટે અપાયેલા અને આકારણી થયા બાદની કોપી) પીડીએફમાં હોય છે જે હવે કાર્યાન્વિત થઈ ચૂકી છે. અત્યાર સુધી પીડીએફ બિલ્સ અૉફ એન્ટ્રી ઉપર ક્યુઆર કોડસ હતા પણ ડીજીટલ સહી નહોતી થતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer