મોરબીના ફેલ્સ્પાર વૉશિંગ પ્લાન્ટ્સ ઉપર સંકટનાં વાદળ

મોરબીના ફેલ્સ્પાર વૉશિંગ પ્લાન્ટ્સ ઉપર સંકટનાં વાદળ
રાજસ્થાને ફેલ્સ્પાર ચીપ્સની નિકાસ પણ અટકાવી

લમ્પની નિકાસ ડિસેમ્બરમાં અટકાવી હતી, હવે ચીપ્સ પણ નહીં આવે : વૉશિંગ પ્લાન્ટ્સની સંખ્યા મોરબીમાં 50 જેટલી છે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.12 માર્ચ
વિટ્રીફાઇડ  ટાઇલ્સ બનાવવા વાપરવામાં આવતા ફેલ્સ્પાર ખનિજનું ખાણકામ રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાન સરકારે વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણી પૂર્વે ફેલ્સ્પારના લમ્પની બીજા રાજ્યોમાં નિકાસ બંધ કરી દીધી હતી. છતાં ત્રણેક માસથી ચીપ્સની આયાત થતી હતી. જોકે, હવે ફક્ત પાઉડરના રૂપમાં ફેલ્સ્પાર નિકાસ થાય છે. એ કારણે પાછલા ત્રણ માસમાં મોરબીમાં ફેલ્સ્પાર લમ્પનું પ્રોસેસિંગ કરતા વોશિંગ પ્લાન્ટની સ્થિતિ બગડી છે. 600થી 1000 કરોડનું રોકાણ ધરાવતા વોશિંગ પ્લાન્ટો ઉપર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. 
સિરામિક ઉદ્યોગ ઉપર હજુ ગેસીફાયરો દૂર કરીને ગૅસનો ઉપયોગ કરવાનો મોટો બોજો છે ત્યારે આ નવી મુસીબત સર્જાઇ છે. આ અંગે મોરબી સિરામિક ઍસોસિયેશનના નિલેષભાઇ જેતપરિયા કહે છે, વિટ્રીફાઇડમાં ફેલ્સ્પાર ખનિજનો ઉપયોગ થાય છે. મોરબીમાં વર્ષોથી લમ્પસની આયાત થાય છે. પરંતુ રાજસ્થાન સરકારે ત્યાંના બંધ પડી રહેલા ગ્રાઇન્ડિંગ યુનિટોને બચાવવા લમ્પને બદલે ફક્ત પાઉડરની નિકાસ ચાલુ રાખવાનો નિર્ણય ગત ડિસેમ્બરમાં લીધો હતો. એ વખતે ફક્ત લમ્પની નિકાસ અટકાવી હતી. ત્રણેક માસથી ચીપ્સના રૂપમાં ફેલ્સ્પાર આવતો હતો. 
બે દિવસથી ચીપ્સની નિકાસ પણ બંધ કરી દીધી છે એટલે હવે ફક્ત પાઉડર આવશે એ કારણે મોરબીમાં આવેલા વોશિંગ પ્લાન્ટસની મુશ્કેલી વધવાની છે. વોશિંગ પ્લાન્ટ મોરબીમાં 40-50 જેટલા છે અને એક પ્લાન્ટમાં સહેજે 20 કરોડનું રોકાણ થાય છે. તેમણે ઉમેર્યું કે, વોશિંગ પ્લાન્ટસમાં શુદ્ધિકરણ બાદ ફેલ્સ્પારને સફેદી આપવામાં આવતી. આવા યુનિટોને હવે અસર થશે.
સિરામિક ઉદ્યોગકારો કહે છે, પાઉડરમાં સફેદી લાવવા માટે જીરકોનિયમ નામના કેમિકલનો ઉપયોગ કરવો પડે છે. તે વોશિંગ પ્રોસેસ કરતા વધારે મોંઘું પડે છે. ફેલ્સ્પાર લમ્પનો ભાવ એક ટને સરેરાશ રૂા. 1000 ચાલે છે. એની સામે પાઉડર ફેલ્સ્પાર રૂા. 2200-2500માં  સફેદી પ્રમાણે મળે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer