અમદાવાદની મસ્કતી મહાજન માર્કેટમાં

અમદાવાદની મસ્કતી મહાજન માર્કેટમાં
નોંધાયેલા એજન્ટો જ ખરીદી કરી શકશે

માર્ચ અંત સુધી નોંધણી થશે : એજન્ટો માટે નોંધણી ફીમાં ઘટાડો કરાયો

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 12 માર્ચ
ગુજરાતની સૌથી જૂની અને અમદાવાદની મોટી કાપડ બજાર મસ્કતી મહાજન દ્વારા કડક નિયમ લાગુ કરી દેવાયો છે. બજારમાં કામકાજ કરતા કોઇ એજન્ટનું રજિસ્ટ્રેશન નહિ હોય, તેઓ કાપડની ખરીદી નહિ કરી શકે. 
મસ્કતી મહાજનમાં એજન્ટ દ્વારા જ કાપડની ખરીદી થાય છે અને દેશવિદેશમાં નિકાસ થાય છે, પરંતુ અમુક લેભાગુ એજન્ટો દ્વારા અગાઉ લાખોની ગોલમાલ કરી નાખવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો આપતા મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત જણાવે છે કે `આમ તો ત્રણ વર્ષ પહેલાં જ એજન્ટને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત કરાયું છે પરંતુ ઘણા એજન્ટ નિયમપાલન કરતા નથી. હવે આ નિયમનો કડકપણે અમલ કરાશે.
 દિલ્હી બાજુના વેપારીઓ અમદાવાદના કાપડના વેપારીઓ પાસેથી 25 ટકા જેવું તગડું કમિશન લઈને પેમેન્ટ કરતા નથી. હવે જયારે 450 જેટલા એજન્ટ આ માર્કેટમાં છે ત્યારે તેમને નોંધણી કરાવવી ફરજિયાત છે, જેથી કરીને આ ગેરરીતિ અટકી જવાની આશા છે.
મસ્કતી કાપડ મહાજનના સેક્રેટરી નરેશ શર્મા જણાવે છે કે `એજન્ટને નોંધણી કરાવવા માટે જે પહેલાં દર વર્ષે 3000 રૂપિયાની ફી હતી તે ઘટાડીને માત્ર 1000 કરી દેવામાં આવી છે અને હવે માર્ચના અંત સુધીમાં જે એજન્ટ રજિસ્ટ્રેશન નહિ કરાવે એવા લોકો સોદા નહિ કરી શકે.'
હવે જે સોદા થશે તેમાં લેખિત કરાર એજન્ટ મારફત કરાવવામાં આવશે જેથી જ્યારે ચુકવણી કરવાની થાય ત્યારે કોઈ ગોલમાલ ન કરી શકે. અમદાવાદ ટેક્સટાઈલ્સ પ્રોસેસર્સ ઍસોસિયેશન દ્વારા પણ આ નિયમને ટેકો આપવામાં આવ્યો છે. અગાઉ ઘણા વેપારીઓના લાખો રૂપિયા ડૂબી ગયા છે. એજન્ટ મારફત કાપડ ખરીદી કરીને તેનું ચુકવણું ન કરતાં આ નિયમ બનાવવામાં આવ્યો છે. જોકે આબરુ જવાની બીકે કોઈ ફરિયાદ કરવા આવતું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer