સુરત કાપડઉદ્યોગનું અપગ્રેડેશન ઘોંચમાં

સુરત કાપડઉદ્યોગનું અપગ્રેડેશન ઘોંચમાં
ટફ યોજનાની 7 હજાર અરજીઓ પડતર

ત્રણ વર્ષમાં માત્ર 70 અરજીઓનો નિકાલ 

ખ્યાતિ જોશી
સુરત, તા. 12 માર્ચ
ખેતી પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડતાં કાપડઉદ્યોગનાં ઝડપી વિકાસ માટે વર્ષ 1999થી કેન્દ્ર સરકારે ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ(ટફ) યોજનાને અમલમાં મૂકી હતી. ત્યારબાદ જુદી-જુદી સરકારે કાપડઉદ્યોગનાં વિકાસ માટે ટફ યોજનાને ચાલુ રાખી છે. જોકે, પાછલા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સુરત કાપડઉદ્યોગની ટફ યોજના હેઠળની સાત હજાર અરજીઓનો નિકાલ ન કરતાં કાપડઉદ્યોગનું અપગ્રેડેશન ઘોંચમાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. 
જીએસટી અને નોટબંધી બાદ કાપડઉદ્યોગમાં વિવર્સથી લઈને વેપારીઓ સુધી તમામ જીએસટીનાં અમલીકરણ બાદની આવી પડેલી મુશ્કેલીમાંથી બહાર નીકળવા મથી રહ્યા છે. અંદાજે રૂા. 450 કરોડથી વધુનાં વિવર્સનાં ફસાયેલાં જીએસટી ક્રેડિટ રિફંડ મામલે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ટફ યોજનાની આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવામાં આવે તો આ યોજનાના માધ્યમથી ઉદ્યોગને નવું જીવનદાન મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
ફેડરેશન અૉફ અૉલ ગુજરાત વિવર્સ વેલ્ફેર ઍસોસિયેશનનાં પ્રમુખ અશોકભાઈ જીરાવાલા કહે છે કે, ટફ યોજનાની અટવાયેલી અરજીઓ મામલે અમે પાછલાં ત્રણ વર્ષથી કેન્દ્ર અને જે-તે વિભાગોમાં સતત રજૂઆતો કરી રહ્યા છીએ. નાના-નાના ટેક્નિકલ મુદાઓ આગળ ધરીને કાપડ ઉદ્યોગ સાહસિકોની અરજીઓનો નિકાલ અટકાવી દેવાયો છે. સાત હજાર પેન્ડિંગ અરજીઓમાંથી 1500 અરજીઓ માત્ર મામુલી ભૂલોનાં કારણે અટકાવી દેવાઈ છે.
એકલા વિવર્સની જ અંદાજે રૂા. 300 કરોડની સબસિડીની અરજીઓ પેન્ડિંગ બોલે છે. વિવર્સને સબસિડી સમયસર ન મળવાના કારણે નવા નાખેલા પ્લાન્ટ અને મશીનરી ઉપર લીધેલ બૅન્ક લોનનાં હપ્તા ભરવાનાં ફાંફા પડી રહ્યા છે. જે વિવર્સ હપ્તા ભરી શક્યા નથી તેઓનાં બૅન્ક ખાતા એનપીએ થઈ રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા જે કોઈ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે તેનો લાભ વિવર્સને મળી શકે તેમ નથી. મરણપથારીએ પડેલાં વિવિંગ ઉદ્યોગને ઉગારવા માટે ઝડપથી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો અતિઆવશ્યક છે. 
તેમણે ઉમેર્યુ હતું કે, સરકારનાં અણઘણ વહીવટનાં કારણે પાછલાં બે વર્ષમાં શહેરમાં વિવર્સે અંદાજે દોઢ લાખ લૂમ્સ ભંગારના ભાવે વેચવાનો વખત આવ્યો છે. સરકાર ટફ યોજનામાં પેકેજની જાહેરાત કરે છે, પરંતુ છેવાડાના વિવર્સને તેનો લાભ મળી શક્યો નથી તે જોવાનો સમય સરકાર પાસે નથી. વર્ષ 2016થી પેન્ડિંગ સાત હજાર અરજીઓમાંથી ટેક્સ્ટાઈલ કમિશનરની કચેરીમાંથી માત્ર 70 અરજીઓનો નિકાલ કરાયો છે. કડવી વાસ્તવિકતા એ છે કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર છે. વાસ્તવમાં ઉદ્યોગને તેનો ફાયદો થયો નથી. તેમણે કહ્યું હતું કે, જો વત્ર મંત્રાલય દ્વારા આ મામલે કોઈ ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં કેન્દ્રનાં ટેક્સ્ટાઈલ સેન્ટરો પર જઈને વિવર્સ દેખાવો કરશે. 
તાજેતરમાં સુરત પધારેલાં કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીને આ મામલે ફોગવાનાં પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી. ટૅક્સ્ટાઈલ પ્રધાને ફોગવાનાં પ્રતિનિધિઓને જે અરજીઓ મામૂલી કારણોસર જેમ કે અરજીઓમાં કે બિલમાં મશીન નંબર લખવામાં ખામી રહી હશે તેવી અરજીઓનો નિકાલ ઝડપથી કરવાની ખાત્રી આપી હતી. જોકે, અરજીનો નિકાલ ક્યારે કરાશે અને ફંડ કઈ સમયસીમામાં છૂટ્ટંy કરવામાં આવશે તેનો કોઈ જવાબ પ્રધાને આપ્યો ન હતો. 
પહેલાં ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ યોજનાની અમલવારી થઈ ત્યારબાદ તેમાં સુધારો કરીને રિસ્ટ્રકચર્ડ ટફ(આરઆર ટફ) અને પછી એમેન્ડેડ ટફ યોજના કાપડઉદ્યોગ માટે લાવવામાં આવી છે. હાલમાં સુરતનાં કાપડઉદ્યોગની જે સાત હજાર અરજીઓ પેન્ડિંગ બોલી રહી છે તે તમામ અરજીઓ એ-ટફ અને આરઆર ટફ યોજના હેઠળની છે. વિવિંગથી લઈને પ્રોસેસિંગ સુધી કોઈને સબસિડી ન મળતાં હાલ સુરતનાં કાપડઉદ્યોગનું વિસ્તરણનું કામ ખોરંભ્યું છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કાપડઉદ્યોગનાં વિકાસ યોજનાની વાત નવી સરકાર સાથે થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer