મહિલાએ કરી ગ્રીન હાઉસમાં ખીરા કાકડીની સફળ ખેતી

મહિલાએ કરી ગ્રીન હાઉસમાં ખીરા કાકડીની સફળ ખેતી
વેલાવાળો આ પાક ઉગાડવાનું ખર્ચ ઘટ્યું અને કમાણી વધી 

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 12 માર્ચ
શિક્ષિત મહિલાએ ગ્રીન હાઉસમાં કાકડીની સફળ ખેતીનો નવીનતમ પ્રયોગ કર્યો છે. કાકડી ઉગાડીને મહિલા સારી એવી કમાણી પણ કરી રહ્યાં છે.  
મહેસાણા પંથકના મોટીદાઉ ગામના સરોજબેન પટેલએ એમએ બીએડ અને એમફીલ પણ કર્યું છે. સરોજબેન ઘણા વરસોથી ચીલાચાલું ખેતીપદ્ધતિનો ઉપયોગ કરી વિવિધ પાકોનું વાવેતર કરતા હતા. બાદમાં કંઇક અલગ કરવાના ઉદ્દેશથી તેમણે ગ્રીનહાઉસમાં ખેતી પદ્ધતિ અપનાવી વાવેતર શરૂઆત કરી. 
બાગાયત વિભાગની સહાયથી ગ્રીન હાઉસ બનાવવામાં આવ્યું અને ખીરા કાકડીનું વાવેતર કરવામાં આવ્યું. આ ખેતીથી ફાયદો એ થયો કે ગ્રીનહાઉસમાં પાકને અનુકુળ વાતાવરણ જાળવી શકાયું અને તેના ફાયદારૂપે રોગ-જીવાત અને નિંદામણ સામે રક્ષણ મળ્યું અને દવાનો ખર્ચ ઓછો થાય છે. સમયસર અને પ્રમાણસર વાવેતર કરીને ગુણવતાયુક્ત વધારે ઉત્પાદન મેળવે છે.  
સામાન્ય રીતે કાકડી ખેતરમાં નીચે ઉગાડાતો વેલાનો પાક ગણાય છે. વ્યવસ્થિતપણે ખેતી થતી નથી. થાય તો એ ખર્ચાળ હોય છે. પરંતુ ગ્રીન હાઉસમાં સારાં પરિણામો મળ્યા છે. 
સરોજબેને ગ્રીન હાઉસના વધારાના ભાગ (હૉકી એરિયા) માં શાકભાજીની સજીવખેતી કરીને નફામાં વધારો કરી લીધો. ગ્રીન હાઉસમાં ખીરા કાકડીના ત્રણ વર્ષ વાવેતર બાદ કૃમિના કંટ્રોલ માટે ગલગોટાનું (બાયોલોજિકલ કંટ્રોલ) વાવેતર કરે છે આટલું જ નહિ પરંતુ ખીરા કાકડીને રાજસ્થાનમાં નિકાસ કરીને સારી આવક મેળવે છે. 
 ગ્રીન હાઉસમાં કાકડી ઉગાડીને લાખો રૂપિયાની કમાણી કરી છે.  ગ્રીન હાઉસમાં શાકભાજીના પાકમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રગતિશીલ ખેડૂત તરીકે સરોજબેનને વર્ષ 2013-14માં તાલુકા કક્ષા, વર્ષ 2014-15માં જિલ્લા કક્ષા અને વર્ષ 2015-16માં રાજ્ય કક્ષાનો `બેસ્ટ આત્મા ફાર્મર્સ એવૉર્ડ' ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer