ગુજરાતમાં ગોળની સિઝન પૂર્ણતા તરફ

હોળી-ધુળેટી બાદ મજૂરો વતનથી પાછા ફરે એટલે ગોળ ઉત્પાદન ઠપ થઇ જશે

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 માર્ચ
ગુજરાતમાં ગોળની સિઝન પૂર્ણતા તરફ છે. આવતા સપ્તાહમાં ધૂળેટી આવી રહી છે એ પૂર્વે મજૂરો વતન ભણી કૂચ કર્યા પછી ગોળનું ઉત્પાદન પણ ડચકાં ખાવા લાગીને માર્ચ અંત સુધીમાં ઠપ થઇ જશે. આ વર્ષે શેરડીના ઉંચા પાક અને ખાંડના નીચા ભાવની અસરથી ગોળનું ઉત્પાદન ઘણું વધ્યું છે. કોલ્ડ સ્ટોરેજો પણ પેક થઇ ગયા છે.
ગોળના અભ્યાસુ વેપારી રમેશભાઇ સોમૈયા કહે છે, સૌરાષ્ટ્રમાં કોડીનાર લાઇનમાં 30 લાખ ડબા અને સુરત તરફ 20 લાખ ડબા ગોળ બની ગયો છે. ગોળનું કુલ ઉત્પાદન 50 લાખ ડબા આસપાસ પહોંચ્યું છે. પાછલા વર્ષમાં અનુક્રમે 20-20 લાખ ડબાનું ઉત્પાદન મળીને કુલ 40 લાખ ડબા બન્યા હતા.
શેરડીની મળતર સારી છે એટલે ઉત્પાદન માર્ચ અંત સુધી ચાલ્યું છે. ગુજરાતમાં ગોળ ઉત્પાદકોને રૂા.1800-2000 પ્રતિ ટનના ભાવથી શેરડી મળે છે.
તેમના મતે ગુજરાતમાં 26 લાખ ડબા જેટલો સ્ટોક થઇ ગયો છે. હજુ કદાચ એકાદ લાખ ડબા સ્ટોકમાં જશે. પાછલાં બે વર્ષથી સ્ટોકિસ્ટો નુક્સાની કરી રહ્યા હતા. જોકે આ વર્ષે સસ્તો ગોળ ભરવામાં આવ્યો છે એટલે નુક્સાનીની શક્યતા નહીવત્ છે. વળતર લાંબા ગાળે પણ મળશે ખરું. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાલ ગોળના ભાવ જથ્થાબંધ સ્તરે એક કિલોએ રૂા. 22-23 જેટલા ચાલે છે. સફેદના રૂા.25 આસપાસ ચાલે છે. કોલ્ડમાં સ્ટોક કરવા માટે ભાડાં, ખરાજાત વગેરે મોંઘી થવાથી રૂા. 27-28માં ગોળ ભરાયો હતો. આ વર્ષે સ્ટોકની પડતર રૂા.2-4 જેટલી નીચી આવશે એટલે સ્ટોકિસ્ટોને ફાયદો મળે તેમ દેખાય છે.
સૌરાષ્ટ્રમાં સિઝન સમયે આશરે 200થી 250 જેટલા રાબડાંઓ ધમધમતા હોય છે. હવે ગણ્યાં ગાંઠયા રાબડાંઓમાં જ ઉત્પાદન ચાલુ છે. સૌરાષ્ટ્રમાં હવે ખાંડ મિલોનું અસ્તિત્વ નહીં રહેતાં ગોળ ઉત્પાદકોને શેરડી પૂરતાં પ્રમાણમાં મળે છે. અગાઉ તાલાલા અને કોડીનાર એમ કુલ બે ખાંડ મિલો ચાલતી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer