વૈશ્વિક સોનામાં ઝડપી ઘટાડો, પણ વક્કર તેજીનો

વૈશ્વિક સોનામાં ઝડપી ઘટાડો, પણ વક્કર તેજીનો
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 12 માર્ચ
શેરબજારમાં નીકળેલી માગ, મજબૂત ડોલર, અમેરિકન બોન્ડનાં વધતા જતાં વળતર અને ઔંસ (31.1035 ગ્રામ) દીઠ 1350 ડોલરના ભાવને બજાર દ્વારા વારંવાર નકારી દેવાતાં સોનામાં નફારૂપી વેચવાલીનું આકર્ષણ વધ્યું છે. નફારૂપી વેચવાલી અને નબળી મોસમી માગને લીધે છેલ્લાં બે સપ્તાહમાં ભાવ 4.1 ટકા તૂટી ગયા છે. જોકે આડેધડ નાણાનીતિ અને આર્થિક મોરચે અચોક્કસ વાતાવરણ જોતાં વર્તમાન નકારાત્મક સેન્ટિમેન્ટ વર્ષાંત સુધીમાં હકારાત્મક બનવાની સંભાવના કંઈ ઘટી નથી ગઈ. ઘટ્યા ભાવે ભારત, ચીન અને દુબઈમાં ઝવેરાતની દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા વધવા લાગી છે. 

ભારતના ડીલરો સત્તાવાર સ્થાનિક ભાવ સામે હાલમાં ઘટ્યા ભાવે પણ બેથી ત્રણ ડોલરનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જે ગત સપ્તાહે 6 ડોલર હતું. વિશ્વના સૌથી મોટા ગ્રાહક ચીનમાં પ્રીમિયમ ગત સપ્તાહના 7થી 10 ડોલર સામે આજે 8થી 11 ડોલર જેટલું હતું, અલબત્ત આ ભાવે માગ નબળી હતી. એનાલિસ્ટો કહે છે કે આર્થિક અનિશ્ચિતતા અને વ્યાજદર સંદર્ભે પ્રવર્તતી અસમંજસતાના કારણે સોનું વર્તમાન ભાવથી 8.5 ટકા વધીને 1400 ડોલરની ઊંચાઈ સર કરી શકે તેમ છે. બે સપ્તાહ અગાઉ સોનાના માંધાતાઓ કહેતા હતા કે આ વર્ષાંતે સોનાના ભાવ 1500 કે 1600 ડોલર થઇ જશે. પણ અનેક પરિબળો બજારના સેન્ટિમેન્ટને આ રીતે હલબલાવી નાખશે એવું કોઈ જાણતું ન હતું. હવે બજારમાં એવા સંકેત મળવા લાગ્યા છે કે સોનામાં દાખલ થયેલી તેજીવાળાની સંખ્યા છેલ્લા આઠ દિવસમાં જ 90 ટકાથી ઘટીને 55 ટકાએ પહોંચી ગઈ છે. 
શું આ ગભરાટભરી વેચવાલીનો સમય છે? આપણે 2018ના ઊંચા ભાવ ફરી જોઈ શકીશું? કે પછી બજારને ખંખેરીને તંદુરસ્ત બનાવવા પ્રવૃત્ત થયેલા સટોડિયાઓ નબળા મનના તેજીવાળાને બજારમાંથી હાંકી કાઢવા માગે છે? ભારતમાં આ સપ્તાહે નીચા ભાવ અને ડિસ્કાઉન્ટનો લાભ લેવા સોનાની માગ વધી છે. જ્યારે એશિયાના કેટલાક ગ્રાહકો ઊંચા ભાવે વેચીને પ્રત્યાઘાતી ઘટાડામાં ભાવ નીચે આવે ત્યારે ખરીદવાની પેરવીમાં લાગ્યા છે. ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ટ્રસ્ટમાંથી ગત શુક્રવારે હોલ્ડીંગ 1.5 ટકા ઘટીને 772.46 ટન રહ્યું હતું. સોમવારે નાયમેકસ ગોલ્ડ વાયદો એક મહિનાની બોટમ 1288.75 ડોલર ટચ કરી ગયો હતો. 
પરંપરાગત રીતે ભારતમાં લગનસરાની માગ પૂરી થયે અને ચીનમાં નવા ચાંદ્ર વર્ષની ઉજવણી પછી માગ ઘટી જતી હોય છે. વધુમાં ભાવ જ્યારેજ્યારે 1340 અને 1350 ડોલરની મજબૂત પ્રતિકારક સપાટી સર કરે ત્યારેત્યારે વેચવાલીનું દબાણ વધી જતું હોય છે. તાજેતરમાં ભારત, અમેરિકા, ચીન, યુરોપ, જપાન જેવા દેશની સેન્ટ્રલ બૅન્કોની પોલિસી બેઠકોમાં લેવાયેલા નિર્ણયોએ બજારને અસ્થિર કરવાનું કામ કર્યું છે, જેણે રોકાણકારોને વળતર (વ્યાજ) વગરના સોનામાં રોકાણ કરવા આકર્ષિત કર્યા છે. પાછલા વર્ષે સોનાના ભાવ 11 એપ્રિલે 1390.70 ડોલરની ઉંચાઈએ પહોંચ્યા હતા, પણ ત્યાંથી પીછેહઠ શરૂ થઈને 15 ઓગસ્ટે 1182.75 ડોલરની બોટમ બનાવી હતી. બાદમાં તેજીની કૂચ શરૂ થઇ હતી, જે 20 ફેબ્રુઆરીએ 1347.90 ડોલરની ઉંચાઈએ પહોંચી હતી. પણ સોમવારે ભાવ 1288.75 ડોલર થતાં 3.5 ટકાનું ગાબડું પડ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer