જાગતિક વિકાસ ધીમો પડતાં ક્રૂડ તેલમાં મંદીના ભણકારા

જાગતિક વિકાસ ધીમો પડતાં ક્રૂડ તેલમાં મંદીના ભણકારા
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 12 માર્ચ
અમેરિકાના રોજગારીના આંકડા ખૂબ જ નબળા આવતાં જાગતિક અર્થતંત્રો અને ક્રૂડ જેલની માગ વેગથી ઘટી રહ્યા વિશે હવે શંકા રહી નથી. અમેરિકન બાંધકામ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રોમાં ફેબ્રુઆરીમાં માત્ર 20,000 નોકરીઓનું જ સર્જન થયું. ગત સપ્તાહે આ અહેવાલ આવ્યા પછી અમેરિકન શૅરબજાર સાથે ક્રૂડતેલ વાયદામાં પણ ગાબડાં પડ્યાં હતાં. શેરબજારમાં ઇન્ડેક્સ સિવાયના શેરના ભાવ જે રીતે ઘટી રહ્યા છે તે જોતાં આ તબક્કે તેલના ભાવ ઘટવા અનિવાર્ય થઇ પડ્યા છે. ટૂંકમાં કહીએ તો ટૂંકા ગાળામાં ક્રૂડ તેલમાં મંદીવાળાનો હાથ ઉપર રહેવાનો છે.
ક્રૂડ તેલ વાયદામાં અત્યારે લેણ આગળ ખેંચાઈ રહ્યાં છે. જો સર્વાંગી રીતે જોવા જઈએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ 62.50 ડોલર સુધી ઘટવાની ધારણા રાખી શકાય. યુરોપિયન અર્થતંત્ર એકધારી નબળાઈના સમયમાંથી પસાર થઇ રહ્યાનું નિવેદન ગત સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ મારિયો દ્રાઘીએ આપ્યું ત્યાર પછી નાણાકીય બજારોમાં પણ સોપો પડી ગયો છે. ભારત અને ચીન સહિતના એશિયન દેશોનો વિકાસ દર ધીમો પડી રહ્યાના અહેવાલો સતત આવી રહ્યા છે, ત્યારે અમેરિકા અને યુરોપમાં પણ અર્થતંત્રો નબળાં પડી રહ્યાના સમાચાર આવવા લાગ્યા છે. ફેબ્રુઆરીમાં ચીનની નિકાસ ત્રણ વર્ષમાં સૌથી નબળી, ગત વર્ષ કરતાં 21 ટકા ઓછી હતી. આયાત પણ 5.2 ટકા ઘટી હતી.  અલબત્ત, ફેબ્રુઆરીમાં ચીનની ક્રૂડતેલની આયાત ગત વર્ષના સમાનગાળા કરતાં 21.6 ટકા વધીને દૈનિક 102.7 લાખ બેરલ થઇ હતી. આ ચોથી વખત ચીનની ક્રૂડતેલની માસિક આયાત દૈનિક 100 લાખ બેરલ વટાવી ગઈ છે. દરમિયાન, ઈઆઈએના ડેટા કહે છે કે વેનેઝુએલાથી અમેરિકામાં ક્રૂડતેલની દૈનિક આયાત 1માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ઘટીને 2.08 લાખ બેરલથી માત્ર 83,000 બેરલ રહી ગઈ હતી.
ક્રૂડતેલમાં નબળાઈ માટે અસંખ્ય ફંડામેન્ટલ કારણો મોજૂદ છે. તેમાં આંતરપ્રવાહમાં બદલાવ, ટૂંકા ગાળાની શેલ કૂવાઓની ઉત્પાદન સાયકલમાં વધારો, ઓપેક અને અન્ય ઉત્પાદક રાષ્ટ્રો સાથે રશિયાની (ભાગીદારી) મિત્રતામાં જોવાઈ રહેલી ખટાશ અને અમેરિકાની વિદેશનીતિનાં લક્ષ્યાંકોને સિદ્ધ કરવા વધુને વધુ દેશો પર ક્રૂડતેલના વેપાર સંબંધી નિયંત્રણો નાખવાનો સમાવેશ થાય છે.
બજારની નવી વર્તમાન વાસ્તવિકતાને આ સંદર્ભમાં સમજવી ખૂબ જરૂરી છે. 2014થી અત્યાર સુધીમાં ભાવ 1 જૂન 2014ના 109 ડોલરથી ઘટીને 1 જાન્યુઆરી 2016ના રોજ 34.75 ડોલરના તળિયે ગયા પછી અત્યારે 66 ડૉલર સુધી પહોંચ્યા છે. હવે પછી ક્રૂડતેલની અફડાતફડીમાં ક્યા મુદ્દાએ કેટલી ભૂમિકા કરી અને તેની બજાર શું પર અસર થઈ તેનું પૃથ્થકરણ જરૂરી છે. 2014 અગાઉનાં છેલ્લાં ચાર વર્ષમાં વાર્ષિક ધોરણે ભાવની સરેરાશ વોલેટાલિટી પ્રતિ બેરલ 30.27 ડોલર હતી, પણ 2014 પછીનાં ચાર વર્ષમાં આ અફડાતફડી ઘટીને વાર્ષિક સરેરાશ 20.59 ડોલર રહી ગઈ છે. 
જેઓ 60 કે 100 ડોલરના વાર્ષિક સરેરાશ ભાવની આશા રાખીને બેઠા છે તેમણે સમજી લેવાનું કે સરેરાશ ભાવ 20 ડોલર રહેવાની સંભાવના વધુ જોવાઈ રહી છે. 2018ના પાછલા તબક્કામાં ક્રૂડતેલના ભાવ 86 ડોલરથી પચાસ ડોલરની નીચે નાટ્યાત્મક રીતે ઘટ્યા તેને લીધે ચોથા ત્રિમાસિકમાં 30 દિવસના વોલેટાલિટી ઇન્ડેક્સ ડેટાને આધારે હવે આવી નીચી (ઓછી) અફડાતફડીની અપેક્ષા પેદા થઈ છે. 2014થી ભાવની વધઘટમાં ઘટાડા સાથે જે બદલાવ આવ્યો છે તેને પગલે ઉત્પાદકો ખાસ કરીને નાના ઉત્પાદક દેશો અને સીમાંત ઉત્પાદકોને ખાસ કરીને નવા પ્રોજેક્ટોનાં નિર્ણયો લેવામાં સીધી અસર થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer