આ સિઝનમાં 50,000 ટન કેરી નિકાસ થશે

આ સિઝનમાં 50,000 ટન કેરી નિકાસ થશે
યુરોપ સૌથી મહત્ત્વનું બજાર, દક્ષિણ કોરિયા-મલેશિયા નવાં બજારો

પુણે, તા. 12 માર્ચ
આ સિઝનમાં સારો પાક ઊતરવાની અપેક્ષાને પગલે કેરીની નિકાસ 50,000 ટનથી વધુ નોંધાય તેવી ધારણા છે. પાછલી સિઝનમાં દેશમાંથી આશરે 40,000 ટન કેરીની નિકાસ નોંધાઈ હતી. મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડ (એમએસએએમબી)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકાને કેરીની નિકાસ મોટા પાયે શરૂ થઈ છે અને ગયા વર્ષે અમેરિકાને 635 ટન નિકાસ સામે આ વર્ષે 1000 ટનથી વધુ કેરી નિકાસ થશે તેવી ધારણા છે.
કેરીની સૌથી વધુ નિકાસ યુરોપને કરાય છે. યુરોપિયન દેશોને આ વર્ષે 5500 ટન કેરી નિકાસ કરાશે તેવું અનુમાન છે. આ સપ્તાહથી વિવિધ દેશોના નિરીક્ષકો મહારાષ્ટ્ર આવીને બોર્ડ દ્વારા સ્થપાયેલી ઈરેડિયેશન, હોટ વોટર ટ્ટ્રીમેન્ટ અને વેપોર ટ્રીટમેન્ટ માટેની સવલતો તપાસશે અને ટૂંક સમયમાં નિકાસ શરૂ થશે. નિકાસ આડે કોઈ અવરોધ ન રહે તે માટે પ્લાન્ટ ક્વોરેન્ટાઈન ડિપાર્ટમેન્ટ સાથે પણ બેઠકો યોજાય છે.
દેશભરમાંથી કેરીની નિકાસ માટે 44 નિકાસ સવલત એકમો સ્થપાયાં છે. આ સિઝનમાં કેરી ઉત્પાદકો દક્ષિણ કોરિયા અને મલેશિયા જેવી નવી બજારો સર કરશે. મલેશિયા નિકાસ કરવા માટે ઈરેડિયેશન જરૂરી છે, જ્યારે જપાન, દક્ષિણ કોરિયા અને મોરિશિયસમાં કેરી મોકલવા માટે વેપોર હીટ ટ્રીટમેન્ટ આવશ્યક છે. મલેશિયાને આશરે 800 ટન કેરી નિકાસ કરાશે તેવી ધારણા છે.
દેશમાંથી કેરીની કુલ નિકાસમાં 80 ટકા હિસ્સો મહારાષ્ટ્રનો છે. યુરોપ મોકલવાના માલ માટે હોટ-વૉટર ટ્રીટમેન્ટ, જ્યારે દક્ષિણ કોરિયા માટે પેસ્ટ રિસ્ક એનાલિસિસ ફરજિયાત છે. મોરિશિયસે ફાયટોસેનિટરી સર્ટિફિકેટ ધરાવતી ભારતીય કેરી માટે પોતાનું બજાર ખુલ્લું મૂક્યું છે. વિવિધ બજારોમાં નિકાસ થઈ શકે તે માટે બોર્ડે ઈરેડિયેશન, હોટ વોટર ટ્રીટમેન્ટ, વેપોર ટ્રીટમેન્ટ વગેરે સવલતો સ્થાપી છે. મહારાષ્ટ્રમાં હાપૂસ તરીકે મશહૂર અલ્ફાન્સો કેરી ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી  મુંબઈ અને પુણેની બજારોમાં આવવા લાગી છે. માર્ચની મધ્યે બજારોમાં મોટી આવક આવશે અને સિઝન મે મહિનામાં પૂરી થશે.
ભારતીય કેરી માટે સ્વિત્ઝર્લેન્ડે પણ પ્રતિબંધ હટાવી લીધો છે. ઉપરાંત કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઉત્તર કોરિયા પણ કેરી માટેનાં નવાં બજારો હશે. એપેડાએ મેન્ગોનેટ હેઠળ કેરીની વાડીઓ (આંબાવાડીઓ)ની નોંધણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જપાન, મલેશિયા, મોરિશિયસ નોંધાયેલી વાડીઓની યાદીની રાહ જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મેન્ગોનેટ હેઠળ પાછલી સિઝનમાં 8500 ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer