આરબીઆઈ રેટિંગ એજન્સીનાં બેવડાં કામકાજ ઉપર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા

આરબીઆઈ રેટિંગ એજન્સીનાં બેવડાં કામકાજ ઉપર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 12 માર્ચ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) ક્રેડિટ રેટિંગ એજન્સીઓના કંપની માટેના બેવડાં કામકાજ- એડવાઈઝર અને રેટિંગ એજન્સી તરીકેના કામકાજ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. આ પગલાં લેવા પાછળનો મુખ્ય હેતુ તેમના ગ્રાહકોની નાણાકીય પરિસ્થિતિમાં પક્ષપાત ટાળવાનું અને હિતોના ટકરાવને રોકવાનો છે. 
સૂત્રોએ કહ્યું કે, બૅન્કિંગ નિયામક આરબીઆઈ ટૂંક સમયમાં બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી) સાથે વાતચીત કરીને ક્રેડિટ રેટિંગ એજન્સી માટે નવા નિયામકની રચના કરી શકે છે. 
આઈએલઍન્ડએફએસની કટોકટી પછી રેટિંગ એજન્સીની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. અૉગસ્ટમાં દેવામાં ડૂબેલી આઈએલઍન્ડએફએસ બોન્ડ્સને ઊંચુ રેટિંગ આપવામાં આવ્યું હતું, જે પછી કંપની બોન્ડ્સના વ્યાજની ચૂકવણી કરવામાં નિષ્ફળ બની હતી. ક્રેડિટ રેટિંગ એજન્સીઓનું સેબી અને આરબીઆઈ બંને નિયમન કરે છે કેમ કે તેઓ બૅન્ક લોન અને એનબીએફસીને રેટિંગ આપે છે, તેમના બિઝનેસમાં 70 ટકા હિસ્સો આ કામકાજનો છે. ગયા અઠવાડિયે ક્રેડિટ રેટિંગ એજન્સીઓના ટોચના અધિકારીઓ, આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસ અને ડેપ્યુટી ગર્વનરની મિટિંગ થઈ હતી, જેમાં રેટિંગ એજન્સીઓના કામકાજ સામે સવાલો ઊભા થયા હતા, એમ પણ સૂત્રોએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer