વિદેશી સંસ્થાઓની જોરદાર લેવાલીથી સેન્સેક્સમાં 482 પૉઇન્ટનો ઉછાળો

વિદેશી સંસ્થાઓની જોરદાર લેવાલીથી સેન્સેક્સમાં 482 પૉઇન્ટનો ઉછાળો
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 12 માર્ચ
એશિયન બજારોમાં સુધારો અને સ્થાનિકમાં એફપીઆઈ (ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ)ની જોરદાર લેવાલીથી સ્થાનિક એનએસઈ ખાતે નિફ્ટી સતત બીજા દિવસે 133 પોઇન્ટના સુધારે 11,301 બંધ રહ્યો હતો. શરૂઆતથી જ ઉપરમાં 11231 ખૂલીને 11,227નું દૈનિક બોટમ બનાવ્યા પછી નિફ્ટી 11,320ની સપાટીએ જઈને વધઘટ પછી અંતે 11,301.20 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 482 પોઇન્ટ વધીને 37,535.66 બંધ હતો.
આજના સુધારામાં યુરોપિયન યુનિયને બ્રેકઝીટ મુદ્દે અનેક શરતોમાં બાંધછોડ કરી હોવાથી વૈશ્વિક અર્થતંત્ર સુધરવાના સંજોગ જોતાં સ્થાનિક બજાર પણ સુધારે રહ્યું હતું. ઉપરાંત કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષના પુન: સત્તા પર આવવાના સર્વેક્ષણના તારણે બજારમાં નવી સટ્ટાકીય ખરીદી શરૂ થઈ હોવાથી ટેક્નિકલી બજારને હવે ટેકો મળ્યો છે. જોકે, આરએસઆઈમાં સ્ટોક ઇન્ડેક્સ થોડી ઓવરબોટ સ્થિતિ દર્શાવે છે.
આજના સુધારામાં બૅન્કિંગ, ઔદ્યોગિક, નાના ધિરાણ, ફાર્મા અને સિમેન્ટ ક્ષેત્રમાં નવી લેવાલી આવી હતી. નિફ્ટીના અગ્રણી શૅરમાં 34 વધવા સામે 16 શૅર ઘટીને બંધ હતા. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 98 અને 158 પોઇન્ટ વધ્યા હતા. આજે નોંધપાત્ર સુધરનાર શૅરમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક વર્ષની ટોચે (13 ટકા વધીને) રૂા. 389 બંધ હતો. ભારતી એરટેલ દ્વારા સહયોગી કંપનીમાં હિસ્સો ઘટાડવાના અહેવાલથી શૅર 15 ટકા (બે દિવસમાં) વધીને રૂા. 350 બંધ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વર્ષની ટોચે રૂા. 1133 ક્વોટ થયો હતો. જ્યારે એચડીએફસી લાઇફમાં 5 ટકા ઘટાડો નોંધાયો હતો.
આજે નોંધપાત્ર સુધારામાં ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 54 એચડીએફસી બૅન્ક રૂા. 42, કોટક બૅન્ક રૂા. 14, એચડીએફસી રૂા. 32, ડોરેકીસ રૂા. 41, રિલાયન્સ રૂા. 42, અલ્ટ્રાટેક રૂા. 47, એચયુએલ રૂા. 20, મારુતિ સુઝુકી રૂા. 75 અને એલએન્ડટી રૂા. 42 વધ્યા હતા.
જ્યારે ઘટનાર શૅરમાં આઇશર મોટર્સ રૂા. 510, બજાજ ફિનસર્વ રૂા. 38 અને અન્ય કેટલાક અગ્રણી શૅર ઓછાવત્તે ઘટીને બંધ હતા.
બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહદ્ અંશે નવા ટેક્નિકલ વલણમાં પહોંચેલ બજારમાં ટ્રેન્ડને પરખવા માટે એકાદ કરેકશનની રાહ જોવી હિતાવહ રહેશે. ચૂંટણીનો પ્રચાર આગળ વધવા સાથે બજારનો સાચો ટ્રેન્ડ સ્પષ્ટ થશે એમ કેટલાક અનુભવીઓ માને છે.
એશિયન બજારો
બ્રિટનની સંસદમાં બ્રેક્ઝિટ અંગેના બેરિંગ પૂર્વે યુરોપે તેની પૂર્વ શરતો હળવી કરવાથી એશિયન બજાર સુધર્યા છે. એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 1.08 ટકા, જપાન ખાતે નિક્કી 1.9 ટકા અને અૉસ્ટ્રેલિયન શૅરો 0.4 ટકા સાથે ચીનમાં શૅરબજાર સુધારે રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer