મોદીની જીતના આશાવાદે શૅરબજારમાં તેજીની દોટ

મોદીની જીતના આશાવાદે શૅરબજારમાં તેજીની દોટ
સેન્સેક્ષ 481 અને નિફ્ટી 133 પૉઈન્ટ્સ ઊછળ્યા
 
નવી દિલ્હી, તા.12 માર્ચ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આગામી લોકસભાની ચૂંટણીમાં વિજયી થશે, એવી આશાએ મંગળવારે ભારતીય  શૅરબજારો છ મહિનાની ટોચ ઉપર પહોંચ્યા હતા. મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારે ખરીદી કરી હતી. ઉપરાંત રૂપિયો પણ ડૉલર સામે નવા ઊંચા સ્તરે આવવાથી સેન્ટિમેન્ટ સુધર્યા હતા. 
ઈન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 530 પોઈન્ટ્સનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી સૂચકાંક 11,320 પોઈન્ટ્સને સ્પર્શ્યે હતો. બપોરે સવા ત્રણ વાગ્યે બીએસઈ સેન્સેક્સ 506 પોઈન્ટ્સ (1.37 ટકા) વધીને 37,560 ઉપર હતો, જ્યારે નિફ્ટી50 145 પોઈન્ટ્સ (1.30 ટકા) વધીને 11,313 પોઈન્ટ્સમાં ટ્રેડ થઈ રહ્યો હતો. સત્રના અંતે સેન્સેક્ષ 481 પોઈન્ટ્સ વધી 37535 અને નિફ્ટી 133 પોઈન્ટ્સ વધી 11301ના સ્તર ઉપર બંધ આવ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં આ ઉછાળાનાં મુખ્ય ચાર કારણ હતાં. : 
રૂપિયાનું મૂલ્યમાં વધારો : સતત ચોથા દિવસે રૂપિયાનું મૂલ્ય બે મહિનાની ટોચે રહ્યું હતું, જ્યારે યુએસ ડૉલર નબળો પડયો હતો. સ્થિર ઈક્વિટી બજાર વચ્ચે એકંદર જોખમ હળવું થયું હતું. દિવસની શરૂઆતમાં રૂપિયાનું મૂલ્ય 28 પૈસા વધીને 68.60 થયું હતું. બ્રોકરેજ ગૃહ મોતીલાલ ઓસવાલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યુએસડી-આઈએનઆર 69.50 અને 70.20ની રેન્જમાં રહી શકે છે. 
ચૂંટણી પહેલાનો આશાવાદ : નિષ્ણાતોને આશા છે કે ચૂંટણી પહેલાં ભારતીય શૅરબજારોમાં વધારો થશે, એવો આશાવાદ છે કે તાજેતરના ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પછી ભાજપ  સરકાર ફરી સત્તામાં આવશે. ડયુશ ઈક્વિટીસ ઈન્ડિયાના એમડી પ્રતીક ગુપ્તાએ કહ્યું કે, રાજકીય આઉટલુક ઉપરાંત એશિયાનાં બજારો કરતાં ભારતીય ઈક્વિટીની કામગીરી આ વર્ષે સારી રહી છે. ભારતીય ઈક્વિટી બજારમાં નબળાઈ હોવા છતાં આ બે મુદ્દાઓ સ્થિર સરકારનો આશાવાદ દર્શાવે છે.
એફઆઈઆઈની લેવાલી : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ વર્ષ 2019માં અત્યાર સુધી $19,705 કરોડની ખરીદી કરી છે, જ્યારે ગયા વર્ષે $32,627 કરોડની વેચવાલી કરી હતી. સોમવારે સ્થાનિક શૅરબજારોમાં રોકાણકારોએ $3810.60 કરોડની ખરીદી કરી હતી. વિશ્લેષકોના મતે તેજી રહેશે. ઈક્વિટી ઈન્ટેલીજન્સ ઈન્ડિયાના સ્થાપક અને સીઈઓ પોરિંજુ વેલિયથે કહ્યું કે, અમારા મતે વર્ષ 2019માં લઘુતમ $1 લાખ કરોડની ખરીદી વિદેશી સંસ્થાકીય રોકાણકારો કરશે. 
એશિયાની અનુકુળ પરિસ્થિતિ : વિદેશી શૅરબજારો માટે પણ આશાવાદ છે. યુરોપિયન કમિશને બ્રેક્સિટ સોદામાં ફેરફાર કરવા માટે સંમત થતા એશિયાનાં બજારોમાં તેજી આવી હતી. 
જપાન બહારનો એશિયા-પેસેફિક શૅર્સ એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એક ટકા વધ્યો હતો, જ્યારે જપાનનો નિક્કી 1.9 ટકા વધ્યો હતો.
શૅરબજારે તો નરેન્દ્ર મોદીના વિજયને ડિસ્કાઉન્ટ કરી લીધો છે
નરેન્દ્ર મોદીનું નેતૃત્ત્વ ધરાવતી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સરકાર લોકસભાની ચૂંટણીમાં ફરીથી નિ:શંક વિજય મેળવશે એવો વિશ્વાસ શૅરબજારોને હોવાનું બજારના નિષ્ણાતો કહે છે. ચૂંટણી સુધી શૅરબજારમાં ઊંચી વધઘટ ચાલુ રહે તે સ્વાભાવિક છે છતાં લાંબા ગાળે શૅરબજારનું રૂખ તેજીતરફી રહેશે. મોર્ગન સ્ટેનલીના ભારતના ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ રિધમ દેસાઈએ શીલા રાઠી સાથેના એક સંયુક્ત અહેવાલમાં જણાવ્યું છે કે ચૂંટણી પહેલાંનાં જુદાં જુદાં જોડાણો અને સમીકરણો સહિતની છેલ્લાં આઠ સપ્તાહની રાજકીય હલચલ તેમ જ સરહદ ઉપરની લશ્કરી કાર્યવાહી આગામી ચૂંટણીમાં વધુ મજબૂત સરકારની સંભાવના વધારે છે. આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્ષ અને નિફ્ટી50 અનુક્રમે 1.5 ટકા અને 1.7 ટકા વધ્યા છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ બીએસઈ આઈટી, કન્ઝ્યુમર ડયુરેબલ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી તેમ જ બેન્કેક્સે આ જ ગાળા દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં વધુ એટલે કે 1.9 ટકાથી 7.8 ટકા જેટલા વધ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer