ભુજ-મુંબઈ ડેઈલી ફ્લાઇટ રદ થતા મુશ્કેલી

ઍર ઇન્ડિયાની ફક્ત સાપ્તાહિક ફ્લાઇટ જ બચી!

અમારા પ્રતિનિધિ તરફથી
ભુજ, તા. 19 માર્ચ
મુંબઈથી ભુજ આવતા અને જતા જેટ ઍરવેઝના બોંઈગ વિમાનનું ઉડ્ડયન રદ કરાતાં હવે ભુજ-મુંબઈ વચ્ચે એક જ વિમાન બચ્યું છે. આ હવાઈસેવા ખોરવાઈ જવાથી કચ્છ બહાર વસતા હજારો કચ્છીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે માત્ર સોમવારે ઍર ઇન્ડિયાની એકમાત્ર સાપ્તાહિક ફ્લાઈટ જ મુંબઈ-ભુજ વચ્ચે હવાઈ મુસાફરી માટે રહી છે. જેટ ઍરવેઝની દરરોજની બે ફ્લાઈટમાંથી એક ફ્લાઈટ થોડા દિવસ પૂર્વે જ બંધ કરાયા બાદ બાકી રહેતી સવારની ફ્લાઈટ પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવાઈ છે અને એપ્રિલ માસની કૉમ્પ્યુટરાઈઝ સિસ્ટમમાં બુકિંગ પણ બંધ થઈ ગયું હોવાથી હવે અનિશ્ચિત કાળ સુધી વિમાનીસેવા ખોડંગાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ઈથિયોપિયામાં બોઈંગને અકસ્માત નડયા બાદ જ આ મુશ્કેલી ઊભી થઈ છે.
જેટ ઍરવેઝે ટિકિટ બુકિંગ કરાવનારા પ્રવાસીઓને પૈસા પાછા આપવાનું તથા અન્ય વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ/ અમદાવાદ પહોંચીને ત્યાંથી મુંબઈની ટિકિટ સાથે મેળ બેસાડવાનું શરૂ કર્યું છે. આ સેવા બંધ થતાં મુંબઈથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડનારા અનેક જણ ફ્લાઈટ ચૂકી ન જાય તે માટેની દોડધામમાં લાગી ગયા છે. 
ભુજ ઍરપોર્ટ પર દરરોજ બબ્બે બોઈંગ વિમાન આવતાં હતાં તે હવે અનિશ્ચિત સમય માટે બંધ થયા બાદ ભુજમાં દર સોમવારે માત્ર એક દિવસ ઍર ઇન્ડિયાની સેવા જ ચાલુ રહેશે. આ વિમાન માત્ર 65 બેઠકનું છે, ત્યારે વિમાની પ્રવાસીઓની સુવિધા ખાતર ઍર ઇન્ડિયા બોઈંગ વિમાનની પહેલાંની માફક દરરોજ વિમાનીસેવા શરૂ કરે તેવી માગણી ઊઠી રહી છે. કચ્છ બહાર દેશ-દેશાવરમાં અનેક કચ્છીઓ વસે છે અને તેમના માવિત્રો કચ્છમાં હોવાથી ઈમર્જન્સીના સમયમાં ઝડપથી કચ્છ પહોંચવાનો અને કચ્છ બહાર જવાનો આધાર જ બંધ થઈ રહ્યો છે ત્યારે રાજકીય- સામાજિક અને વિવિધ પેસેન્જર એસો.ના અગ્રણીઓ સક્રિય થઈ આ મુશ્કેલીનો માર્ગ કાઢે તે જરૂરી બન્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer