ચૂંટણીમાં નાણાંની રેલમછેલ રોકવામાં સહકાર આપવા

આવકવેરા વિભાગની નાગરિકોને અપીલ  

(પીટીઆઇ) 
મુંબઈ, તા. 19 માર્ચ
લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા કે મતદાતાઓને પ્રભાવિત કરવા માટે નાણાં સહિતની લોભ-લાલચ આપવામાં આવતી હોય તો લોકો માહિતી આપે એવી અપીલ આજે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે કરી છે. ઇન્કમ ટૅક્સના ઇન્વેસ્ટિગેશન વિભાગના ડિરેક્ટર જનરલ કે. કે. વ્યવહારેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આવી માહિતીના આધારે અમારો વિભાગ ત્વરિત કાર્યવાહી કરીને રોકડ જપ્ત કરવા સહિતનાં આકરાં પગલાં લઈ શકે છે. લોકસભાની દરેક બેઠક માટે અમારા વિભાગ દ્વારા આવા કેસોમાં કાર્યવાહી માટે ક્વિક રિસ્પૉન્સ ટીમ પણ નીમવામાં આવી છે.
અત્યાર સુધીમાં 50 મોટા અધિકારીઓ અને 200 નાના સ્તરના અધિકારીઓ સહિતના 250 કર્મચારીની ટીમ નીમવામાં આવી છે અને 31 માર્ચ સુધીમાં આર્થિક નાણાકીય વર્ષ સહિતની ઇન્કમ ટૅક્સ વિભાગની કામગીરી આટોપાયા બાદ તમામ કર્મચારીઓને ચૂંટણીમાં નાણાંની હેરાફેરી રોકવાની આ કામગીરીમાં જોડવામાં આવશે. 
લોકો આવી માહિતી આપી શકે એ માટે ઇન્કમ ટૅક્સ વિભાગે હેલ્પલાઇન (નંબર) 1800 2215 10 શરૂ કરી છે. આ નંબર પર માહિતી આપનાર વ્યક્તિની ઓળખ જાહેર નહીં કરાય એવી પણ ખાતરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer