કચ્છમાં કેસર કેરીનું વધતું જતું વાવેતર

ટૂંક સમયમાં ગીર સોમનાથને હંફાવે એવી સંભાવના

ભુજ, તા. 19 માર્ચ
સૂકો પ્રદેશ ગણાતો કચ્છ જિલ્લો કેસર કેરીની ખેતી માટે ફળદ્રુપતાની નવી ઓળખ મેળવી રહ્યો છે. ખેડૂતોનો દાવો છે કે ભૂગર્ભનાં પાણી વડે ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) દ્વારા કચ્છ જિલ્લો કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથની બરાબરીમાં આવી ગયો છે.
વર્ષ 2017-'18માં ગીર સોમનાથ જિલ્લામાં કેરીનું વાવેતર 6 ટકા વધીને 14,820 હેક્ટર્સમાં નોંધાયું હતું, જ્યારે કચ્છમાં વાવેતર 7 ટકા વધીને 10,033 હેક્ટર્સ નોંધાયું હતું. 
રાજ્ય સરકારના હૉર્ટિકલ્ચર વિભાગના ડિરેક્ટર પી. એમ. વઘાસિયાએ જણાવ્યું છે કે કચ્છમાં કેરીના વાવેતરમાં વૃદ્ધિ મુખ્યત્વે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફળદ્રુપ જમીનને કારણે જોવા મળી છે. વધુ ને વધુ ખેડૂતો પરંપરાગત એરંડાની ખેતીમાંથી કેરીની ખેતી તરફ વળી રહ્યા છે.
હૉર્ટિકલ્ચર વિભાગે આપેલા આંકડા દર્શાવે છે કે કચ્છમાં કેરીનું ઉત્પાદન પડકારજનક છે. વર્ષ 2015-'16માં 85,240 ટન ઉત્પાદન સામે વર્ષ 2016-'17માં 91,206 ટન ઉત્પાદન નોંધાયું હતું. જોકે વર્ષ 2017-'18માં ઉત્પાદન ફરી ઘટીને 72,739 ટન થયું છે. 150 એકર જમીનમાં આંબાવાડિયું ધરાવતા કચ્છના કેરીના ખેડૂત બટુકસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વર્ષે અમને વધુ સારા પાકની આશા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પાણીની ખેંચ હોવા છતાં અમે ભૂગર્ભના પાણી ટપક સિંચાઈ યોજના વડે પાકને પર્યાપ્ત પ્રમાણમાં પહોંચાડયાં હતાં. અમે કૅનલનું નેટવર્ક સ્થપાય એની રાહ જોઈ રહ્યા છીએ. કૅનલ મારફત પાણી મળતાં કચ્છમાં કેરીનો પાક વધુ ઊતરશે અને કચ્છ કેસર કેરીની ભૂમિ તરીકે પ્રચલિત બનશે. 
હાલમાં કેરીના વાવેતર માટે પસંદગીના તાલુકાઓમાં કચ્છના માંડવી, મુંદ્રા, નખત્રાણા વગેરે સામેલ છે. જાડેજા માને છે કે કચ્છના મધ્ય ભાગમાં કૃષિ રસાયણોનો વધુ ઉપયોગ કરાયો નથી અને એ ફળદ્રુપ જમીનને કેસર કેરીના વાવેતર માટે સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એમ છે.
રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યા મુજબ માળખાકીય સવલતોના વિકાસ, નિકાસ માટે બજારની સહાય તેમ જ બિયારણ અને વાવેતર માટે સબસિડી મારફત કચ્છમાં ખેડૂતોને કેરીને મુખ્ય પાક તરીકે ધ્યાન પર લેવા પ્રોત્સાહિત કરાયા છે. બીજી તરફ ગીર સોમનાથમાં આબોહવાને લગતા પડકારો છે, જેને કારણે ઉત્પાદન લગભગ 50 ટકા ઘટયું છે. તળાળાના ખેડૂત રમેશ સિરોયાએ જણાવ્યું કે હવામાનમાં વધેલો ભેજ અને લાંબો શિયાળો આંબાના મ્હોરને વિપરીત અસર કરે છે.
ગીર સોમનાથમાં પાણીની સમસ્યા નથી, કેમ કે અહીં પૂરતો વરસાદ હતો, પરંતુ અણધાર્યા ભેજ અને લાંબા શિયાળાએ ફૂલો બેસવાની પ્રક્રિયાને ડામાડોળ કરી નાખી. આને લીધે કેરીના ભાવ ઊંચા હશે, પરંતુ પુરવઠો મર્યાદિત હશે. અમે પાકનું પૂરેપૂરું વળતર ન મેળવી શકીએ એવું પણ બને.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer