આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને પગલે

સોફ્ટ અૉઈલની આયાત ચાર મહિનાની ટોચ ઉપર
 
ફેબ્રુઆરીમાં સોયાબીન તેલની આયાતમાં વધારા સામે પામતેલની આયાતમાં ઘટાડો

અમદાવાદ / પુણે, તા. 19 માર્ચ
સોફ્ટ અૉઈલ્સની આયાત ચાર મહિનાની ટોચે નોંધાઈ છે. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (સી)એ એકત્ર કરેલા ડેટા મુજબ ફેબ્રુઆરીમાં સોયાબીન, સૂરજમુખી અને સરસવના તેલ સહિતના સોફ્ટ અૉઈલ્સની કુલ આયાત અૉઈલ માર્કેટના વર્ષ 2018-19ના પ્રથમ ચાર મહિના એટલે કે નવેમ્બર, 2018થી ફેબ્રુઆરી, 2019 દરમિયાન ફેબ્રુઆરી, 2019માં સૌથી વધુ એટલે કે 4,50,359 ટન નોંધાઈ છે.
બીજી તરફ, પામ તેલની આયાત ફેબ્રુઆરી, 2019માં 7,51,703 ટન નોંધાઈ છે. તમામ સોફ્ટ અૉઈલ્સની કુલ આયાતમાં પામ તેલનો હિસ્સો ગયા વર્ષના સમાન ગાળામાં 65 ટકા હતો, જે વધીને 67 ટકા થયો છે.
વિવિધ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ પાંચથી 20 ટકા ઘટયા હોવાને કારણે આયાત વધી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં રૂપિયો 10 ટકા ઘસાયો હોવાથી ભાવનો લાભ પણ મળ્યો છે. આરબીડી પામોલીનના ભાવ ફેબ્રુઆરી, 2018માં ટનદીઠ 677 ડૉલરથી ઘટીને ફેબ્રુઆરી, 2019માં ટનદીઠ 585 ડૉલર થયા હતા. તે જ રીતે ક્રૂડ સોયાબીન તેલના ભાવ પણ ટનદીઠ 809 ડૉલરથી ઘટીને 760 ડૉલર નોંધાયા હતા. જોકે, ગયા વર્ષે વિનિમય દર ડૉલરદીઠ રૂા. 64.43થી વધીને અત્યારે રૂા. 71.17 છે.
સોફ્ટ અૉઈલ્સમાં સોયાબીન તેલની આયાત જાન્યુઆરીમાં 1,85,906 ટનથી 18 ટકા જેટલી નોંધપાત્ર વધીને ફેબ્રુઆરીમાં 2,20,376 ટન થઈ હતી.
પુરવઠાની સ્થિતિ વિશે સીએ જણાવ્યું કે બંદરો અને પાઈપલાઈન્સમાં કુલ જથ્થો પહેલી ફેબ્રુઆરી, 2019ના રોજ 21,10,000 ટનથી 85,000 ટન વધીને 21,95,000 ટન નોંધાયો છે.
ભારતમાં દર મહિને લગભગ 19 લાખ ટન તેલ જોઈએ છે અને 30 દિવસનો પુરવઠો હાથ ઉપર રહે છે. તેની સામે અત્યારે 21.95 લાખ ટન એટલે કે 35 દિવસની જરૂરિયાત જેટલો પુરવઠો હાથ ઉપર છે.
ભારત મલેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી પામ તેલ ખરીદે છે, જ્યારે આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી સોયાબીન અને ઉક્રેઇન પાસેથી સૂરજમુખીના તેલની આયાત કરાય છે. નાણાં મંત્રાલયે પહેલી જાન્યુઆરી, 2019ના રોજથી મલેશિયાથી આયાત થતા પામ તેલ ઉપર આયાત જકાતમાં ઘટાડો તેમ જ ક્રૂડ અને પામ તેલ વચ્ચે જકાતનો તફાવત 10 ટકાથી ઘટીને પાંચ ટકા થયો હોવાને પગલે સીએ આરબીડી પામોલીનની વધતી જતી આયાત સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે.
આગામી દિવસોમાં પણ મલેશિયાથી પામોલીનની હજુ વધુ મોટા પ્રમાણમાં આયાત કરાશે, જેનાથી ઘરઆંગણે પામ રિફાઈનિંગ ઉદ્યોગને ફટકો પડશે તેવી ભીતિ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer