વિદેશીઓને ગિફ્ટ સિટીમાંથી કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરવાની શરતી મંજૂરી

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 19 માર્ચ
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું છે કે પાત્રતા ધરાવતા વિદેશી રોકાણકારો (એલિજિબલ ફોરેઇન ઈન્વેસ્ટર્સ - ઈએફઆઈ) ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી)માં આવેલા શૅરબજારોમાંથી કૉમોડિટીઝ ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગમાં ભાગ લઈ શકશે. આને પગલે ગુજરાતમાં આવેલા દેશના સૌપ્રથમ આઈએફએસસી - ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં કાર્યરત શૅરબજારો અને વિદેશી રોકાણકારોને લાભ થશે.
જોકે, બજાર નિયામકે વિદેશી રોકાણકારોને આપેલી આ મંજૂરી માટે કેટલીક શરતો મૂકી છે. જેમકે, વિદેશી રોકાણકારો ફક્ત બિન-કૃષિ કૉમોડિટીઝમાં ડેરિવેટિવ્ઝ વાયદામાં જ ટ્રેડિંગ કરી શકશે. વાયદા વિદેશી શૅરબજારોમાં નક્કી કરાતા સેટલમેન્ટના ભાવ રોકડમાં સેટલ કરવાના રહેશે. ઉપરાંત, લેવડદેવડના વ્યવહારો વિદેશી ચલણમાં જ નામાંકિત કરવાં પડશે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)ને વર્ષ 2017માં આઈએફએસઈમાં કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં પણ આ જ શરતો નક્કી કરાઈ હતી. માર્ચ, 2016માં સેબીએ આઈએફએસસીમાં કાર્યરત હોય તેવાં શૅરબજારોમાં કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગની મંજૂરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer