ગ્લેનકોર ઉપર દરોડા : કઠોળની આયાત માટે કાર્ટેલ રચવાનો આક્ષેપ

વર્ષ 2015 અને 2016માં કઠોળની અછતનો લાભ લેવા ભાવ `ફિક્સ' કર્યા હતા?

નવી દિલ્હી, તા. 19 માર્ચ
બજારના કામકાજ ઉપર દેખરેખ રાખી રહેલી કૉમ્પિટિશન કમિશન અૉફ ઈન્ડિયા (સીસીઆઈ)એ કઠોળ/દાળના ભાવ માટે કાર્ટેલ રચી હોવાના આક્ષેપને પગલે કૉમોડિટીઝના વૈશ્વિક ટ્રેડર ગ્લેનકોર અને અન્ય બે કંપનીઓ ઉપર દરોડા પાડયા છે. ગ્લેનકોરની સ્થાનિક ઓફિસો તેમજ આફ્રિકાના એક્સપોર્ટ ટ્રેડિંગ ગ્રુપ તેમજ અગાઉ કૉમોડિટીઝના કામકાજ ધરાવતા ભારતના એડલવેઇસ ગ્રુપની ઓફિસો ઉપર સીસીઆઈના 25થી વધુ અધિકારીઓએ દરોડા પાડયા હતા.
ભારતમાં વર્ષ 2015 અને 2016માં કઠોળ/દાળની તાતી અછત સર્જાઈ હતી, તે સમયે કઠોળની આયાત અને ભારતીય બજારોમાં તેનાં વેચાણ માટે આ કંપનીઓએ કાર્ટેલ રચીને ઊંચા ભાવ `ફિક્સ' કર્યા હોવાનો આક્ષેપ છે. સ્વિત્ઝર્લેન્ડની કંપની ગ્લેનકોરના પ્રવક્તાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નહોતી. એડલવેઇસે નવેમ્બર, 2016માં તેનો કૉમોડિટીઝ ટ્રેડિંગનો બિઝનેસ વેચી દીધો હતો અને એક્સપોર્ટ ટ્રેડિંગ ગ્રુપ આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર ન હતું.
બે વર્ષના દુકાળને કારણે વર્ષ 2015માં ચણા અને અડદ જેવા ભારતમાં મુખ્ય વપરાશ ધરાવતા કઠોળના ભાવ ઊછળ્યા તે પછી સરકારે કઠોળની જકાત-મુક્ત આયાતની છૂટ આપી હતી. 
સીસીઆઈએ ત્રણ મહિના અગાઉ શરૂ કરેલી તપાસ મુજબ આ કંપનીઓની કાર્ટેલ રચી કઠોળના ભાવ ઊંચે ટકાવી રાખ્યા હતા. આ કંપનીઓએ તાજેતરનાં વર્ષોમાં કઠોળના ભાવ સ્થિર બન્યા પછી પણ કથિત કાર્ટેલ ચાલુ રાખી છે કે નહીં તેની પણ સીસીઆઈ તપાસ કરી રહ્યું છે.
સીસીઆઈએ ગયા શુક્રવાર અને શનિવારે હાથ ધરેલા દરોડા દરમ્યાન ઈ-મેઇલ્સ અને દસ્તાવેજો સહિતના પુરાવા એકત્ર કર્યા છે અને કંપનીના અધિકારીઓને સવાલો કર્યા છે. 
કૉમોડિટીઝ ટ્રેડર્સ ઉપરના દરોડા, સીસીઆઈના 10 વર્ષના ઈતિહાસમાં આ પ્રકારનું ચોથું સર્ચ અૉપરેશન છે. આવા દરોડા ફક્ત ન્યાયાધીશની પરવાનગી બાદ જ હાથ ધરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer