એતિહાદે જેટ ઍરવેઝમાં પોતાનો 24 ટકા હિસ્સો એસબીઆઈને ખરીદવા કહ્યું

નવી દિલ્હી, તા.19 માર્ચ
જેટ ઍરવેઝને ફરી પાટે લાવવાની યોજના છે, ત્યારે જેટ ઍરવેઝના ટોચના ધિરાણકર્તા ગલ્ફ ઍરલાઈન એતિહાદે પ્રસ્તાવ મુક્યો છે કે તેમનો જેટમાંનો 24 ટકા હિસ્સો સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ) ખરીદે. અહેવાલો મુજબ એતિદાહે એસબીઆઈને કહ્યું છે કે તે જેટ ઍરવેઝમાં વધુ રોકાણ કરશે નહીં, ત્યારે આ પ્રસ્તાવ સામે આવ્યો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, એતિહાદે એસબીઆઈના જેટમાં પ્રતિ શૅર રૂા.150ની અૉફર કરી છે, જેનું કુલ મૂલ્ય રૂા.400 કરોડ જેટલું થાય. એસબીઆઈને કરવામાં આવેલી અૉફરના હિસાબે જેટ ઍરવેઝનું અંદાજિત મૂલ્ય રૂા.1800 કરોડ થાય. 
એક દિવસ પહેલા જ જેટના ધિરાણકર્તાઓએ ચીમકી આપી હતી કે જો રિઝોલ્યુશન પ્લાનની શરતોને મંજૂર કરવામાં આવશે નહીં તો તે છૂટા પડશે. મુખ્ય શરતોમાં એતિહાદ દ્વારા જેટમાં રૂા.750 કરોડના રોકાણનો ઉમેરો કરવાનો હતો, જેનો ગલ્ફની ઍરલાઈને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. એતિહાદના માલિકો- અબુ ધાબીનો રાજવંશી કુટુંબ મંત્રણામાં અનિશ્ચિતતાથી ચિંતામાં છે.
જો આ માર્ગે વાત આગળ વધશે તો જેટનો પચીસ વર્ષમાં સૌથી ખરાબ નાણાકીય કટોકટીનો સામનો કર્યા બાદ અંત લગભગ નક્કી છે. ઍરલાઈન લોનની પુન:ચુકવણીમાં ડિફોલ્ટર બની છે, મોટા ભાગના વિમાનો ગ્રાઉન્ડેડ છે, ઍરક્રાફ્ટ લિઝિંગ કંપની સહિતના વેન્ડર્સને ચુકવણી કરવાની બાકી છે, તેમ જ પગાર આપવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. ઍરલાઈને બીએસઈને કહ્યું છે કે, લિક્વિડિટીની અછતને લીધે બોન્ડના વ્યાજની ચુકવણી કરવામાં મોડુ થશે. 
આવામાં એતિહાદને ગુમાવશે તો જેટે નવો ભાગીદાર શોધવો પડશે. ડિસેમ્બરમાં જેટ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ બની હતી. તેને ઈનસોલવન્સી અને બૅન્કરપ્સી અંતર્ગત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં મોકલવામાં આવી હતી. જેટે અમુક ધિરાણકર્તાઓને ચુકવણી કરી છે. પરંતુ ઍરલાઈન સતત ફ્લાઈટ્સ કેન્સલ કરી રહી છે, જેને લીધે ગ્રાહકોને રિફંડ કરવાનું દબાણ વધી રહ્યું છે.
જેટે કહ્યું કે, તેમણે એતિહાદની દોહાસ્થિત કતાર ઍરવેઝ જેવા સંભવિત રોકાણકારોને સૂચનાઓ મોકલી છે. એતિહાદે વર્ષ 2013માં જેટમાં 37.9 કરોડ ડૉલરમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો હતો, તે વખતે ઍરલાઈનને લીઝમાંથી મુક્ત કરી હતી. વૈશ્વિક ઍરલાઈન ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાના ભાગરૂપ એતિહાદે આ હિસ્સો ખરીદ્યો હતો, પરંતુ તેમની આ વ્યૂહરચના મોંઘી પડી હતી. એતિહાદની એકંદર ખોટ વર્ષ 2017 અને 2018માં 3 અબજ ડૉલર હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer