ચણા-રાયડામાં મંદીથી ઉત્તર ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં

ચણા-રાયડામાં મંદીથી ઉત્તર ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં
ખેડૂતોને ઉનાળુ વાવેતર અને શાકભાજી માટે પાણી નહીં મળતાં પાક ઉપર ખતરો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 માર્ચ
ઉત્તર ગુજરાતમાં ઉનાળાના આરંભે જ પાણીની મોકાણને લીધે લીલાં શાકભાજીના પાકને પીવડાવી શકાય તેટલું પાણી મળતું નથી. એવામાં રવી સિઝનમાં માંડ માંડ ઉગાડેલા રાયડો અને ચણા જેવા પાકોના ભાવ અપૂરતા મળી રહ્યા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
ચાલુ રવી સિઝનમાં સમગ્ર ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓની 1,80,467 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રાયડાનું વાવેતર કર્યું છે. જે પૈકી અરવલ્લી જિલ્લામાં પણ 1001 હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કરાયું હતું. જ્યારે 4902 હેકટર જમીનમાં ચણાનું વાવેતર કરાયું હતું. પાક તૈયાર થતા હાલ ખેડૂતો રાયડો અને ચણા લઇ માર્કેટમાં વેચવા માટે આવી
રહ્યા છે.
મોડાસા માર્કેટ યાર્ડમાં રોજ 100 બોરી રાયડો અને 500 બોરી દેશી અને ગુલાબી ચણાની આવક ચાલુ થઈ છે. પરંતુ બજારમાં રાયડાનો ભાવ હાલ ખેડૂતોને 551 થી 667 રૂપિયા પ્રતિ 20 કિલોનો મળી રહ્યો છે. જ્યારે ચણાના 700થી 840 રૂપિયા પ્રતિ 20 કિલોના મળી રહ્યા છે. વાવેતર પાછળ કરેલા ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળતો હોવાથી ખેડૂતો હાલ નુકસાન વેઠી રહ્યાં છે.
બીજી બાજુ સરકાર દ્વારા દરેક પાકોને પોષણક્ષમ ભાવ આપવા માટે ટેકાના ભાવ જાહેર કરી ખરીદી કરાય છે તેવામાં રાયડા અને ચણાને ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરવામાં નહીં આવતા ખેડૂતોને પોતાનો મહામુલો પાક બજારમાં સસ્તા ભાવે વેચવા મજબૂર થવું પડી રહ્યું છે
ડભોઈ તાલુકામાં અંદાજે 3000 હેકટરમાં વાવેતર થઈ રહ્યું છે જેમાં ડાંગર, તલ, મગ અને લીલા શાકભાજીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ હાલ ઉનાળાના શરૂઆતમાં જ ડભોઇ તાલુકાની કેનાલો પાણી વગરની બની ગઈ છે જેને લઇ ખેડૂતોને સિંચાઈનું પાણી લેવામાં મુશ્કેલી પડી
રહી છે. પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા કુવા બોરના પાણીના સ્તર નીચે જતા જિલ્લામાં સિંચાઇ માટે પાણીની વિકટ સમસ્યા છે જેના કારણે જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં ઉનાળુ વાવેતરમાં 60 ટકા ઘટાડો થયો છે જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ 15054 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું તેની જગ્યાએ હાલ ઉનાળુ વાવેતર માત્ર 6862 હજાર હેક્ટર જમીનમાં થયું છે. તેમાંય સૌથી વધુ વાવેતર ઘાસચારાનું 3525 હૅક્ટર જમીનમાં કરાયું છે ત્યારે દિવસે દિવસે જિલ્લામાં ઘટતાં જતા પાણીના સ્તરને કારણે ઉનાળુ ખેતી ઉપર અસર થઈ રહી છે તે જોતા સરકાર દ્વારા જિલ્લામાં સિંચાઇ માટેની સુવિધાઓનો વ્યાપ નહીં વધારાય તો આવનારા વર્ષોમાં આ વાવેતર બંધ થઈ જાય તો નવાઈ નહીં
પાટણ જિલ્લામાં ગત વર્ષની તુલના કરતા ચાલુ સાલે દુષ્કાળની સ્થિતિએ ખેડૂતોએ અડધું જીરુંનું વાવેતર કર્યું તેવામાં કમોસમી વરસાદ થતાં પાક નુકસાન થવા પામ્યું અને ખેડૂતોએ જીરુંનો પાક વેચવા જતા ભાવ માં ઘટાડો જોતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થવા પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer