પાણીની અછત : ઉનાળુ પાકને ફટકો

પાણીની અછત : ઉનાળુ પાકને ફટકો
ગુજરાતમાં ઉનાળુ સિઝનના વાવેતરમાં 50 ટકા કરતાં વધુ ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.19 માર્ચ
વરસાદની દૃષ્ટિએ નબળા ઠરેલા વર્ષમાં ઉનાળુ વાવેતરને જબરો ફટકો પડયો છે. ગુજરાતભરમાં ગરમીની સિઝનમાં થતું વાવેતર 50 ટકા કરતાં ય ઓછું ફક્ત 48 ટકા થયું છે. ગુજરાત રાજ્યના કૃષિખાતાએ આપેલી માહિતી પ્રમાણે 4.61 લાખ હેક્ટર સામે ફક્ત 2.24 લાખ હેક્ટરમાં વિવિધ પાકની વાવણી થઇ શકી છે. પાણીની અછતે ખેડૂતોને રવી સિઝનમાં ય મુશ્કેલી સર્જી હતી. હવે ઉનાળુ પાકો તૈયાર થવાની અણીના સમયે ભારે સમસ્યા સહન કરવી પડે તેમ છે. 
ગુજરાતમાં મોટાંભાગના રવી પાકો ખેતરમાંથી બહાર આવી ગયા છે એટલે ખેડૂતોએ ઉનાળુ વાવણી આરંભી છે. જોકે, આ વર્ષે પાણીની તંગી વ્યાપક છે અને ખેડૂતોને ડેમોમાંથી પણ પાણી મળવાનું નથી એટલે ઉત્સાહ ઓછો છે. સરકાર આગળ જતા ડેમોમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવાની નથી. આ મુદ્દે અગાઉ જ જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતમાં સામાન્ય વર્ષોમાં 7થી 8 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થતું હોય છે પણ આ વર્ષે કદાચ પાંચ લાખ હેક્ટરની આસપાસ માંડ પહોંચી શકે તેમ છે.
ઉનાળુ પાકોમાં મુખ્ય ફાળો બાજરીનો હોય છે. એ પછી મગફળી, તલ, મગ અને અડદ ઉગાડવામાં આવે છે. બધા જ પાકોના વિસ્તારમાં ભારેખમ કાપ મૂકાશે. ઉનાળુ મગ અને અડદની ગુણવત્તા ગુજરાતમાં સુપર ફાઇન થતી હોય છે એટલે દેશાવરમાં માગ ખૂબ સારી હોય છે. વેપારીઓને આ વર્ષે કામકાજમાં મજા નહીં રહે તેમ અભ્યાસુઓએ કહ્યું હતું. શાકભાજીના વાવેતર વિસ્તાર  પણ ઘણા ઓછાં થવાને લીધે ઉનાળામાં શાકભાજીના ભાવ સામાન્ય લોકોને દઝાડે એવી સ્થિતિ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer