હોળી-ધુળેટીમાં અમદાવાદમાં ખવાશે અંદાજે 80 ટન ખજૂર

હોળી-ધુળેટીમાં અમદાવાદમાં ખવાશે અંદાજે 80 ટન ખજૂર
ખજૂરના ભાવ પાછલા વર્ષથી ઓછા
હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.19 માર્ચ
ગુજરાતમાં પર્વોનું મહાત્મય સવિશેષ છે. દરેક પર્વ અનોખી રીતે ઊજવવામાં આવતો હોય છે. દશેરાના પર્વે ફાફડા જલેબી આરોગતા અમદાવાદીઓ હોળી અને ધુળેટીના તહેવારોમાં અંદાજે 80 ટન ખજૂર આરોગી જશે. અમદાવાદ માર્કેટના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ હોળી અને ધુળેટીના તહેવારોમાં 80 ટનથી વધુ ખજૂરનું વેચાણ થાય છે. 
મહત્ત્વનું છે કે, હોળી અને ધૂળેટીના તહેવારમાં બજારમાં અવનવા પેકિંગમાં વિવિધ જાતની ખજૂરની વેચાય છે. હોળીના દિવસે ખજૂર ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ આવે છે. હોળીના એક જ દિવસે અમદાવાદમાં અંદાજે 80 ટન ખજૂર વેચાશે. જોકે, ગૃહિણીઓ લુઝ ખજૂર નહીં પરંતુ પેકિંગમાં મળતી ખજૂર ખરીદે છે. ગત વર્ષની સરખામણીએ ખજૂરના ભાવ ઓછા છે. 
અમદાવાદમાં મોટા ભાગની ખજૂર ઇરાન, ઇરાક અને સાઉદી અરેબિયાથી આવે છે. બધો જ ખજૂર ઉતરે છે સૌરાષ્ટ્રના બંદરો ઉપર. ત્યાંથી અમદાવાદ સહિતની બજારોમાં આવે છે. જીએસટી લાગુ પડયા બાદ ખજૂરની માર્કેટમાં ઘટાડો થયો છે. ખજૂરનાં હોલસેલ વેપારીના જણાવ્યા અનુસાર, ખજૂર પર પાંચ ટકા વેટ લાગતો હતો જે જીએસટી આવ્યા બાદ 12 ટકા થઇ ગયો છે. બજારમાં દરેક પ્રકારની ખજૂર ખરીદી કરનારો વર્ગ છે. આ વર્ષે હોલસેલ ભાવ રૂા.50 થી 60 પ્રતિ કિલો છે જ્યારે રિટેલ ભાવ રૂા.80 થી 100 પ્રતિ કિલો છે. લોકો 250 ગ્રામથી લઇને એક કિલોના પેકિંગની ખજૂરની ખરીદી કરી રહ્યા છે. ઇરાનની ફરદી અને સાની ખજૂરના ભાવ પ્રતિ કિલો રૂા.300 થઇ ગયા છે. આ ખજૂરનું એક કિલોની ડિશ પેકિંગમાં વધુ વેચાણ થઇ રહ્યું છે. 
હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને ધાણી અને ચણાના ભાવમાં પણ વધારો થયો છે. હોળીમાં ધાણી-ખજૂર-ચણાની આહુતિ આપવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે નાની અને મોટી ધાણી રૂા.70 થી 110 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાણ થઇ રહી છે. જ્યારે ચણા રૂા.120થી 200 પ્રતિ કિલોના ભાવ ચાલી રહ્યા છે. ખજૂરના પેકિંગ ભાવ લાલ જાયદી રૂા.110-125, ઇરાની  રૂા.140-160, કિમિયા રૂા.200-250, ફરદી રૂા.250-300, મુજાફતી રૂા.220-240, કલમી રૂા.300-330, બરની રૂા.120-140, બુમન રૂા.125-140નો ચાલી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer