ઓછા પાક અને સબળ નિકાસમાગથી રૂમાં ભડકો

ઓછા પાક અને સબળ નિકાસમાગથી રૂમાં ભડકો
મુંબઈ, તા. 19 માર્ચ
કપાસનો પાક ઓછો થવાની સાથે નિકાસ માગ વધવાથી ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
રૂ વાયદાના ભાવ રૂા. 21,000ને પસાર કરી ગયા છે જે આ વર્ષનો વિક્રમ છે. આ મહિને ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે. નિકાસ વધવાની સંભાવનાને લીધે રૂના ભાવ હજી વધવાની ધારણા મુકાઈ રહી છે.
નિકાસ માગ વધવાની અસર રૂના ભાવ પર દેખાઈ રહી છે. એમસીએક્સ પર પ્રતિ ગાંસડી (પ્રત્યેક 170 કિગ્રાની) રૂના ભાવ રૂા. 21,000 પસાર કરીને રૂા. 21,700 થયા છે. જે એક મહિના અગાઉ પ્રતિ ગાંસડી રૂા. 20,150 હતા. વાયદામાં ભાવ ઊંચકાવાથી હાજરમાં પણ ગરમાટો આવવા લાગ્યો છે. હાજર બજારમાં સંકર-6ના ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂા. 12,000 થયા છે. તેજીની આ ગતિ આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે.
અૉક્ટોબરથી શરૂ થયેલી રૂની સિઝનના ભાવ મહત્તમ સ્તરથી 25 ટકા ઘટયા બાદ હવે એમાં સુધારો આવ્યો છે, એન્જલ બ્રોકિંગના જણાવવા મુજબ સુધારાની ઝડપ હજી વધવાની ધારણા છે.
રૂમાં ચીનની માગ વધુ રહી છે. કપાસની નિકાસ હજી વધવાની અપેક્ષા છે. ચીને અત્યાર સુધીમાં ભારતમાંથી આઠ લાખ ગાંસડી રૂ ખરીદવાના કરાર કર્યા છે જે પૈકી લગભગ છ લાખ ગાંસડીના સોદા વર્તમાન મોસમમાં થયા છે. ચીનની નિકાસ માગ વધવાની સાથોસાથ સ્થાનિક બજારમાં પણ રૂની માગ વધી છે. સ્થાનિક મિલોની રૂની  ખરીદી વધતા જેથી હાજર અને વાયદામાં તેજી જોવા મળી રહી છે.
કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો હોવાથી આ વર્ષે કપાસનો પાક ઓછો થવાની ધારણા છે. ઉત્પાદન ઓછું થવાથી અને નિકાસ માગ વધવાથી આ વર્ષે કપાસના ભાવમાં તેજીનો નવો રેકર્ડ નોંધાવાની શક્યતા જોઈને સ્થાનિક મિલો ખરીદી વધારી રહી છે. રૂના વેપારીઓના જણાવવા મુજબ આ વર્ષે જૂન સુધી ભાવવધારો અટકવાનો નથી. દુષ્કાળને લીધે કપાસના ભાવમાં આવેલો સુધારો તેજીમાં પરિણમી શકે છે.
કૃષિ મંત્રાલયના પાકના તાજા આંકડામાં કપાસના પાકનો અંદાજ 7.4 ટકા ઘટાડીને 300.9 લાખ ગાંસડીનો મુકાયો છે. જ્યારે અગાઉના આગોતરા અંદાજમાં તે 324 લાખ ગાંસડી થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. કપાસ ઉદ્યોગના સંગઠને પણ ઉત્પાદન ઓછું થવાનો અંદાજ જણાવ્યો છે. કૉટન એસોસિયેશન અૉફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2018-'19માં દેશમાં કપાસનું ઉત્પાદન 11 ટકા ઘટીને 328 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. જ્યારે 2017-'18ની સિઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 365 લાખ ગાંસડી થયું હતું. આ વર્ષે લગભગ 123 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer