બિટ્કોઇનને $ 4000ની ઉપર જવાનો માર્ગ મોકળો

બિટ્કોઇનને $ 4000ની ઉપર જવાનો માર્ગ મોકળો
નોટબંધીની જાહેરાત પછી ભારતીય ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને ફરી સંજીવની પ્રાપ્ત થઈ : માર્ચ આરંભથી દૈનિક સરેરાશ $ 10 અબજના બિટ્કોઇનના હાથ બદલા
 
ક્રિપ્ટો માર્કેટ કેપમાં $ 140.90 અબજનો વધારો થયો
 
ઈબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 19 માર્ચ
ગત સપ્તાહે બિટ્કોઈનને 4000 ડૉલરની ઉપર જવાના દરવાજા ખુલી ગયા, તે સાથે તે વેગથી બુલીશ ઝોનમાં દાખલ થયો હતો. છેલ્લા થોડા સપ્તાહથી ભારતીય ક્રિપ્ટોકરન્સી રોકાણકારોને સંજીવની પ્રાપ્ત થઇ છે, તે સાથે ડિજિટલ કરન્સી એસેટ્સને વ્યાપક પ્રમાણમાં જીવતદાનનો અૉક્સિજન પણ મળ્યો હતો. નવેમ્બર 2016માં ભારતમાં નોટબંધીની જાહેરાત પછી ભારતીય રોકાણકારોએ અબજો રૂપિયાનું કાળું નાણું ક્રિપ્ટોકરન્સીમાં ઠાલવ્યું હતું. પરિણામે ડિસેમ્બર 2017માં બિટ્કોઇનનો ભાવ 19,320 ડૉલરની વિક્રમ ઐતિહાસિક ઊંચાઈએ ગયો હતો. હવે 3920 ડૉલર આસપાસના ભાવે રોકાણકારોનો સપોર્ટ પ્રાપ્ત થયો છે અને સોમવારે બુલીશ વેવમાં ભાવ 4118.10 ડૉલરની સપાટી વટાવી ગયો. સાપ્તાહિક ધોરણે ભાવ 2.7 ટકા વધી આવ્યા હતા. 
સતત વધી રહેલા સોદા, સૂચિત કરે છે કે સેન્ટિમેન્ટમાં બદલાવ આવ્યો છે. એપ્રિલ 2018 પછીથી પહેલી વખત જાગતિક બેન્ચમાર્ક ક્રિપ્ટોકરન્સી બિટ્કોઇનનાં દૈનિક સરેરાશ સોદા નવા મુકામ સર કરવા લાગ્યા છે. ગત એપ્રિલમાં જ્યારે ભાવ 8000 ડૉલરની ઉપર ગયો ત્યાર પછી પહેલી વખત, સોમવારે દૈનિક બિટ્કોઇન ટ્રેડીંગ વોલ્યુમ 11 અબજ ડૉલર વટાવી ગયું હતું, એ સાથે જ બિટ્કોઇનની તેજીનો પણ આરંભ થયો હતો. છેલ્લા પાંચ મહિનામાં બિટ્કોઈનનું રાજિંદુ કામકાજ 150 ટકાની વૃદ્ધિ દાખવે છે. જાન્યુઆરી 2018 પછીથી બિટ્કોઇનમાં આટલું બધું કામકાજ ક્યારેય જોવા નથી મળ્યું. છેલ્લા એક વર્ષ દરમિયાન માત્ર 10 દિવસ એવા હતા જેમાં કામકાજનો આંક 11 અબજ ડૉલર વટાવી શક્યો હોય, તેમાંના છ ટ્રેડિંગ દિવસો તો માર્ચ 2019માં નોંધાયા છે. 
ક્રિપ્ટોકરન્સી એનાલિસ્ટો કહે છે કે માર્ચ આરંભથી દૈનિક સરેરાશ 10 અબજ ડૉલરના બિટ્કોઇનનાં હાથ બદલા થાય છે. નવેમ્બર 2018માં બિટ્કોઇન કેશનો ફિયાસ્કો થયો, ત્યાર પછીથી બેન્ચમાર્ક બિટ્કોઇનના ભાવ 35 ટકા તૂટ્યા હતા અને દૈનિક સરેરાશ વોલ્યુમ ઘટીને 6.25 અબજ ડૉલર પર આવી ગયું હતું. આના પ્રત્યાઘાત રૂપે 2018મા ભાવ ગબડી પડ્યા હતા, જેમાં અસંખ્ય રોકાણકારો અને ટ્રેડરો ધોવાઈ ગયા હતા. પણ હવે ક્રિપ્ટો માર્કેટ કેપમાં પણ 140.90 અબજ ડૉલરનો વધારો થયો છે. ભાવમાં મોટાપાયે ગાબડા પડ્યા પછી રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાં ખાસ કરીને બિટ્કોઇનમાં દાખલ થતાં ગભરાતાં હતાં. જૂન 2018 અને અૉક્ટોબર 2018 દરમિયાન ક્રિપ્ટો ટ્રેડીંગ તળિયે બેસી ગયા હતા. અલબત્ત આ ગાળામાં દરેક બાઉન્સ બેક એકશનમાં લોઅર લોઝ (પ્રત્યેક ઘટાડે નવી નીચી સપાટી) સ્થપાવા છતાં, બિટ્કોઈનને 6000 ડૉલર આસપાસ સ્થિર ટેકો મળી રહ્યો હતો.
નવેમ્બર 2018માં 6000 ડૉલરનું સપોર્ટ લેવલ તૂટી ગયું, પરિણામે 15 ડિસેમ્બરે 3216.10 ડૉલરની નવી બોટમ બની હતી. ઘટ્યા ભાવે ભયભીત રોકાણકારો બજાર છોડી ગયા. નવેમ્બર 2018થી જાન્યુઆરી 2019 સુધી બિટ્કોઇનમાં સરેરાશ કામકાજ ઘટીને લગભગ સ્થિર થઈ ગયા હતા. જે દાખવતું હતું કે બજારમાં હવે ટ્રેડિંગમાં કોઈને ખાસ રસ રહ્યો નથી. અલબત્ત ફેબ્રુઆરીમાં પતંગિયા જેવા રોકાણકાર પાછા ફર્યા અને કામકાજ સરેરાશ 7 અબજ ડૉલરે પહોંચ્યું. માર્ચમાં તો તેમણે ફેબ્રુઆરી કરતા વધુ રસ દાખવ્યો. નવેમ્બરમાં શરૂ થયેલી બિટ્કોઇન કેશ સાથેની કોલ્ડ વોર પૂરી થઈ. 
છેલ્લા કેટલાંક સપ્તાહથી તેજીવાળા બજાર પર કબજો જમાવી રહ્યા છે, પરિણામે બિટ્કોઇનનાં ભાવ પણ ઊંચકાવા લાગ્યા. આમ બિટ્કોઇનનો શિયાળો પણ હવે પૂર્ણ થયો મનાય છે. જોકે, એક જાણીતા અર્થશાસ્ત્રી/ઇતિહાસકારે કબુલ્યું હતું કે મારી ડિજિટલ કરન્સી બિટ્કોઇન બાબતની આગાહી ખોટી પડી છે, બિટ્કોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીના વર્તમાન અને ભવિષ્ય સાબુત રહેશે અને તેને શૂન્ય થવાની દુર-દુર સુધી કોઈ શક્યતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer