બુલેટ ટ્રેન : ખેડૂતોની વહારે જપાનના માધ્યમો

બુલેટ ટ્રેન : ખેડૂતોની વહારે જપાનના માધ્યમો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 માર્ચ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટમાં જમીન સંપાદનનાં મામલે ખેડૂતો દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રનાં કેટલાંક ખેડૂતોએ જમીન સંપાદન માટે હા ભણી છે. પરંતુ મોટાભાગે ખેડૂતોનો વિરોધ નોંધાઈ રહ્યો છે. આજે જપાનનાં માધ્યમોનું એક પ્રતિનિધિમંડળ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યું હતું.  જેણે ખેડૂત સમાજનાં પ્રતિનિધિઓ અને અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી જમીન સંપાદનને લઈને પડી તકલીફો વિશે માહિતી મેળવી હતી.  
કેન્દ્રનાં બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ માટે મસમોટું ફંડ જપાન સરકાર ફાળવશે. ત્રણ માસ અગાઉ જપાનની મુખ્ય એજન્સી જીકાનાં અધિકારીઓ ખેડૂતોનાં પ્રશ્નો સાંભળવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. નોંધવું કે, જીકાનાં રિપોર્ટ બાદ જાપાનની મીડિયામાં ભારતનાં બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટને લઈને અનેક રિપોર્ટ આવી ચૂક્યા છે. ભારત સરકાર ખેડૂતો સાથે પૂરતો ન્યાય ન કરતી હોવાનું જાહેરમાં આવ્યા બાદ જપાનની સરકારે મીડિયાના પ્રતિનિધિઓને ભારતમાં ખેડૂતોનાં પ્રશ્નોને ઉજાગર કરવા માટે સીધી છૂટ આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.  
આજે જપાનનું અગ્રણી દૈનિકનાં ધ અશી શીમ્બુનનાં દક્ષિણ એશિયાનાં બ્યૂરો ચીફ અને નવી દિલ્હીનાં  સહિત માધ્યમોના પ્રતિનિધિઓ સુરત અને નવસારીની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. સરકારે બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ માટે સૌથી પહેલું રૂા. 20હજાર કરોડનું મોટું ટેન્ડર બહાર પાડયું છે. ટેન્ડરમાં ભાગ લેવા માટે જપાન અને ભારતની અગ્રણી કંપનીઓએ રસ દાખવ્યો છે. બુલેટ ટ્રેનનું કામકાજ આગળ વધે તે અગાઉ જ જપાની માધ્યમોએ ખેડૂતોનાં પ્રશ્નોને ઉજાગર કરવા માટે ઉત્સુકતા દાખવી છે. 
બેઠકમાં ખેડૂત સમાજનાં જયેશ પટેલ, જયેશ દેલાડ, દર્શન નાયક સહિતનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત સમાજનાં પ્રતિનિધિઓ અત્યાર સુધી ઘરઆંગણાનાં માધ્યમોમાં આવેલા અહેવાલો દર્શાવ્યા અને અસરગ્રસ્તોની સ્થળ મુલાકાત કરાવી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થવાની દોઢ લાખથી વધુ વૃક્ષોને કાપવામાં આવશે. જેમાં મોટાપાયે આંબા અને ચીકુના ઝાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ0હજાર મેંગ્વુઝનાં વૃક્ષોનું પણ નિકંદન નીકળશે તેવી માહિતી ખેડૂતોએ આપી હતી. અસરગ્રસ્તોએ એક સૂરમાં કહ્યું હતું કે, સરકાર પર્યાવરણ, સામાજિક અને આર્થિક એમ ત્રણેય બાબતોને અવગણી રહી છે.
બુલેટ ટ્રેનનાં દરેક સ્ટેશનને જે-તે વિસ્તારની ઓળખ મળશે
એક બાજુ ખેડૂતોનાં ભારે વિરોધ વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેનનું પ્રથમ 237 કિલોમીટર માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી સૂચિત બુલેટ ટ્રેન વચ્ચે આવનારા તમામ સ્ટેશનને તેનાં શહેરને અનુરૂપ ડિઝાઈન કરવાની સૂચના આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમ કે ભરૂચમાં ટેક્સ્ટાઈલ ઉત્પાદનનાં આધારે સ્ટેશનને બુલેટ ટ્રેનનાં સ્ટેશનનું બાંધકામ કરવામાં આવશે. સુરતમાં હીરાનો મોટો ઉદ્યોગ છે તો સ્ટેશનને હીરાઉદ્યોગની થીમ પર બનાવવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં પસાર થતી અંબિકા નદીનાં બીલીમોરા પાસેનાં સ્ટેશનને જગ વિખ્યાત આફૂસ કેરીનો આકાર આપવામાં આવશે. તો સંઘ પ્રદેશમાં નાના કદનાં ઉદ્યોગોની ઓળખ સાથેનું સ્ટેશન બનાવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer