બ્રેક્ઝિટ પછી ફળો અને શાકભાજીની નિકાસ વધશે

બ્રેક્ઝિટ પછી ફળો અને શાકભાજીની નિકાસ વધશે
વેપારીઓને દ્રાક્ષની નિકાસમાં 27 ટકા વૃદ્ધિ પછી કેરી માટે પણ આશા
પુણે, તા. 19 માર્ચ
29 માર્ચે યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડશે કે જોડાયેલું રહેશે એ બાબતે ફેંસલો ન થાય ત્યાં સુધી અનિશ્ચિતતા ચાલુ જ રહશે. ભારતની યુકેને કરાતી ફળ અને શાકભાજીની નિકાસ પર બ્રેક્ઝિટ સંબંધિત આ અચોક્કસતા ટૂંકજીવી હશે. વેપારીઓને વિશ્વાસ છે કે લાંબા ગાળે ભારતીય ફળો અને શાકભાજીની યુકેને નિકાસ વધશે અને યુરોપિયન યુનિયનના દેશોને ભારતથી કરાતી નિકાસમાં ફળો અને શાકભાજીનો હિસ્સો સૌથી વધુ હશે.
વર્ષ 2017-'18માં ભારતે યુકેને 168 કરોડ રૂપિયાનાં તાજાં શાકભાજી તેમ જ 12.7 કરોડ રૂપિયાનાં તાજા કાંદાની નિકાસ કરી હતી. વેપારનાં સૂત્રોએ જણાવ્યા મુજબ દરરોજ 30થી 50 ટન શાકભાજી ભરેલાં જહાજો લંડન મોકલવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં દક્ષિણ યુરોપમાં ઊગતાં ભારતીય શાકભાજી ભારતથી આયાત કરાયેલાં શાકભાજી સાથે સ્પર્ધા કરતાં હોવાથી ભારતની નિકાસ આશરે 20 ટકા ઘટે છે.
ભારતીય નિકાસકારોનું માનવું છે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી છૂટું પડયા બાદ એણે દક્ષિણ યુરોપમાં ઊગતાં શાકભાજીની સ્પર્ધાનો સામનો કરવો નહીં પડે.
કેરીની સીઝન શરૂ થવાની અણી પર છે અને વેપારીઓને આશા છે કે આ વર્ષે મોટી માત્રામાં કેરીની નિકાસ કરી શકાશે. ભારતીય કેરીની કુલ નિકાસમાંથી યુકેને બીજા ક્રમે સૌથી વધુ એટલે કે 12.5 ટકા નિકાસ થાય છે. વર્ષ 2017-'18માં કુલ 382 કરોડ રૂપિયાની કેરીની નિકાસ થઈ હતી, જેમાં યુકેનો ફાળો 48 કરોડ રૂપિયાનો હતો.
કે. બી. એક્સપોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર કૌશલ ખખ્ખર કહે છે કે રમજાનની સારી માગને કારણે બ્રેક્ઝિટની અસર નિકાસનાં વૉલ્યુમ્સ પર જોવા નહીં મળે. જોકે પાઉન્ડ સામે રૂપિયાનો વિનિમય દર તેમ જ હવાઈ નૂરનાં ભાડાં વળતર પર અસર કરશે.
બીજી સૌથી વધુ નિકાસ દ્રાક્ષની થાય છે, પરંતુ દ્રાક્ષની સીઝન પૂરી થવાને આરે છે એટલે બ્રેક્ઝિટની એના પર પણ કોઈ અસર થાય એમ જણાતું નથી. નેધરલૅન્ડ્સ અને જર્મની બાદ યુકે ભારતીય દ્રાક્ષનો ત્રીજો સૌથી મોટો આયાતકાર છે. 14 માર્ચ સુધીમાં ભારતે યુરોપિયન યુનિયનના દેશોને 79,867 ટન દ્રાક્ષની નિકાસ કરી છે જે પાછલા વર્ષે સમાન ગાળાની 62,750 ટન આયાત કરતાં 27 ટકા વધુ છે.
વેપારીઓના એક વર્ગનું માનવું છે કે પાઉન્ડ સામે રૂપિયો ઘસાઈને 90 સુધી પહોંચશે જેનાથી નિકાસના વળતર પર ગંભીર ફટકો પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer