જેટ ઍરવેઝને બચાવી લેવા બૅન્કોને આદેશ

જેટ ઍરવેઝને બચાવી લેવા બૅન્કોને આદેશ
એસબીઆઈ, પીએનબી અને એનઆઈઆઈએફ પ્રત્યેકને 33 ટકા શૅર હિસ્સો ખરીદવાની સૂચના
એજન્સીસ
નવી દિલ્હી, તા.19 માર્ચ
ભારત સરકારે ખાનગી ક્ષેત્રની ઍરલાઈન જેટને નાદારીમાંથી બચાવવા માટે સરકાર હસ્તક બૅન્કોને આગળ આવવા માટે કહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે ચૂંટણી નજીક છે એવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજારો રોજગારની ખોટ સહન કરી શકે નહીં, એમ સૂત્રોએ કહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે એસબીઆઈ, પીએનબી અને એનઆઈઆઈએફને પ્રત્યેકને 33 ટકા શેર હિસ્સો ખરીદવાની સૂચના આપી છે.
નાણાં મંત્રાલય છેલ્લાં એક વર્ષથી સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)ના નેજા હેઠળના જૂથ પાસેથી જેટની નાણાકીય પરિસ્થિતિ બાબતે નિયમિત અપડેટ મગાવતી હતી. છેલ્લા અમુક મહિનાઓથી બૅન્કો જેટના ફરી સજીવનની યોજનાનો સાપ્તાહિક અપડેટ આપતી હતી, તેમ જ સરકાર પાસેથી પણ સલાહ લેતી હતી. 
એક અધિકારીએ પોતાની ઓળખ નહીં આપવાની શરતે કહ્યું કે, નાણાં મંત્રાલયના ટોચના અધિકારીએ આ બાબતે નિયમિત અપડેટ માગતા હતા.
કેન્દ્ર સરકારે સરકાર હસ્તક બૅન્કોને કહ્યું છે કે તેઓ ડેબ્ટને ઈક્વિટીમાં પરિવર્તિત કરે અને જેટને નાદારીથી બચાવે. અન્ય એક સૂત્રએ કહ્યું કે, આ પગલુ `અલ્પકાલિન' ગણાશે. જેટ ફરી પાટે ચઢે તો પણ ધિરાણકર્તાઓ પોતાનો હિસ્સો વેચશે. 
એક સરકારી સૂત્રએ કહ્યું કે, સરકારે નેશનલ ઈનવેસ્ટમેન્ટ ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ (એનઆઈઆઈએફ)ને જેટમાં હિસ્સો ખરીદવા માટે કહ્યું છે. એક અબજ ડૉલરથી પણ વધુનું દેવું ધરાવતી જેટનો સમય ખૂબ જ કપરો છે. બૅન્કો, સપ્લાયર્સ, કર્મચારી, એરક્રાફ્ટ ધિરાણકર્તાઓને તેઓ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. અમુકે લીઝ સોદા પણ સમાપ્ત કર્યા છે. આવતા મહિને લોકસભાની ચૂંટણી છે અને 10 લાખથી પણ વધુ કર્મચારી વર્ગ ધરાવતા એવિયેશન ક્ષેત્રમાં આ કટોકટીથી મોદી સરકાર ઉપર પ્રતિકૂળ અસર પડી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer