રિયલ એસ્ટેટના જીએસટી વિકલ્પને મોળો પ્રતિસાદ

નવી દિલ્હી, તા. 22 માર્ચ
ડેવલપરોને નવા અને જૂના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ની પસંદગી આપવાના જીએસટી કાઉન્સિલના નિર્ણયને મોળો પ્રતિસાદ મળવાની શક્યતા આ ઉદ્યોગના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ડેવલપરોની જે માગણી હતી તે જીએસટી કાઉન્સિલે માન્ય કરી ન હોવાનું ઘણાનું કહેવું છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેકટર શીરિષ બૈજલે કહ્યું હતું કે ડેવલપરોને પ્રવર્તમાન પ્રોજેકટસ માટે નવા કે જૂના જીએસટીની પસંદગી આપવાની જાહેરાતથી ડેવલપરોને જીએસટીનો નવો દર અપનાવવામાં ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી)નું નુકસાન થશે અથવા તે નહીં મળી શકે. જીએસટીના માળખાની પસંદગી વ્યક્તિગત યોજનાને આધીન હશે. કોઈ ડેવલપરનું વેચાણ સારું હોય તો તેની નફાશક્તિ જાળવવા તે જૂના જીએસટીના કરમાળખાને અપનાવે તેવી શક્યતા છે.
પેરાડિગમ રિયલ્ટીના મૅનેજિંગ ડિરેકટર પાર્થ મહેતાનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલની જાહેરાત ખરીદદારોને અનુલક્ષીને કરાઈ હોય તેવું જણાય છે, કેમ કે પરવડી શકે તેવાં ઘરોના દર આઈટીસી વિનાના હતા. ડેવલપરો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પરિણામે તેમનું માર્જિન ઓછું થઈ રહ્યું છે.
ઘરો ઉપર જીએસટી ઓછો કરવો તે સારી બાબત છે, પરંતુ ઉત્પાદન ખર્ચ પર જીએસટી ઘટાડયા વિના આઈટીસીની નાબૂદી ડેવલપરો માટે નક્કી કરાઈ છે. તેથી તેમના નફા તેમ જ નાણાપ્રવાહ પર ભારે અસર થશે.
પોદાર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ લિ. અને નરડેકો વેસ્ટના મૅનેજિંગ ડિરેકટર અને સંયુક્ત સચિવ રોહિત પોદારે જણાવ્યું હતું કે જીએસટીના જૂના માળખાની સુવિધા જાળવી રાખવાથી ડેવલપરોને રાહત મળશે, જ્યારે બાંધકામ હેઠળની યોજનાઓ માટે જીએસટીના નવા દરથી ડેવલપરોના નફાને અસર થશે. નવા અને જૂના દર પસંદ કરવાની સત્તા ડેવલપરો અને ખરીદદારો બન્નેને સાનુકૂળ રહેશે. એકંદરે બાંધકામ હેઠળની અસ્કયામતો માટે આ નિર્ણય સાનુકૂળ છે અને આ ક્ષેત્રમાં સ્થિર વૃદ્ધિ દેખાશે.
નાહર ગ્રુપના અને નરડેકો (મહારાષ્ટ્ર)ના ઉપપ્રમુખ મંજુ યાજ્ઞિકે કહ્યું કે સરકારે નવા દર તૈયાર કર્યા છે. તેમાં સમયમર્યાદાની લવચીકતાની બાંયધરી આપી છે તે યોગ્ય છે. આથી ડેવલપરોને સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ આવશે તે મુજબ તેઓ આઈટીસીના વપરાશ થકી તેમની નાણાકીય સ્થિતિનું આયોજન કરી શકશે અથવા તો આઈટીસી વિના નવી માર્ગદર્શિકા સાથે કામ કરી શકશે.
સાંઈ એસ્ટેટ કન્સલ્ટન્ટસ ચેમ્બુર પ્રા. લિ.ના સહસ્થાપક અમિત બી. વાધવાનીનું કહેવું છે કે છેલ્લાં થોડાંક વર્ષોમાં બધા નિર્ણયો લેવાયા છે. એકમાત્ર ભારતીય રિયલ એસ્ટેટને વધુ સંગઠિત કરવાના આશયથી અને ઘર ખરીદનારાઓના લાભાર્થે લેવાયા છે.
નરડેકો મહારાષ્ટ્રના પ્રમુખ રાજન બાંદેલકરે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલે રિયલ એસ્ટેટ અને હાઉસિંગ ક્ષેત્ર માટે જીએસટી દરનો શ્રેષ્ઠ નિર્ણય લેવા બદલ અમે તેના આભારી છીએ. સરકારે ડેવલપરો અને હાઉસિંગ ક્ષેત્ર પર વિશ્વાસ મૂક્યો છે તે આવકાર્ય પગલું છે.
નરડેકો મહારાષ્ટ્રના ઉપપ્રમુખ અને એકતા વર્લ્ડના અધ્યક્ષ અશોક મોહનાનીએ કહ્યું હતું કે ગયા મહિને હાઉસિંગ ક્ષેત્ર માટે જીએસટી દર ઘટાડવાના નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. પહેલી એપ્રિલથી અમલી બનનારા નવા દરો આઈટીના અંત સાથેના હશે. તે મુજબ કાર્ય કરવામાં અનુકૂળ દરખાસ્ત નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer