પાકિસ્તાનને ચીન $ 2.1 અબજની લોન આપશે

ઈસ્લામાબાદ, તા. 22 માર્ચ
સખત નાણાભીડ અનુભવી રહેલા પાકિસ્તાનને તેના બારમાસી સાથી ચીન તરફથી સોમવારે 2.1 અબજ ડૉલર લોન તરીકે મળશે, એમ નાણામંત્રાલયે જણાવ્યું હતું.
નાણાં ખાતાના સલાહકાર અને પ્રવકતા ખાકાન નજીબ ખાને કહ્યું હતું કે ચીન સરકાર દ્વારા અપાનારી 2.1 અબજ ડૉલરની લોન માટેની તમામ પ્રવિધિઓ પૂરી થઈ ગઈ છે અને 25 માર્ચ સુધીમાં પાકિસ્તાનને નાણાં મળી જશે.
પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમીરેટ્સ બન્નેએ એક-એક અબજ ડૉલર આપ્યા છે. પાકિસ્તાનની વિદેશી મુદ્રાની અનામતોનું તળિયું દેખાતું હોવાથી તે વિદેશી સહાય મેળવવા બેતાબ છે.
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને છ અબજ ડૉલરની સહાય કરી છે, જેમાંથી ત્રણ અબજ ડૉલર ચુકવણી તુલાને સમતોલ કરવા માટેની છે અને બીજી એટલી જ રકમ તેલની ઉધારી સ્વરૂપે અપાશે.
ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે પણ સહાય માટે વાતચીત કરી રહ્યું છે. અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે આઈએમએફ પાસેથી 8 અબજ ડૉલરની સહાય મળશે. સાઉદી અરેબિયા અને યુએઈની સહાયથી પાકિસ્તાનને શ્વાસ ખાવા પૂરતી રાહત મળશે, પરંતુ આઈએમએફની લોન તેને માટે અતિશય મહત્ત્વની છે. એ લોન મળે તો જ તેને વિશ્વ બૅન્ક અને એશિયન વિકાસ બૅન્ક જેવી બહુપક્ષીય સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય મૂડીબજારમાંથી કરજ મળે એમ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer