રૂના ભાવ વધી જતાં કપાસની સરકારી ખરીદી લગભગ બંધ

રૂના ભાવ વધી જતાં કપાસની સરકારી ખરીદી લગભગ બંધ
પુણે, તા. 22 માર્ચ
રૂના બજારભાવ વધી જતાં કોટન કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા દ્વારા કરાતી કપાસની ખરીદી લગભગ થંભી ગઈ છે. વર્તમાન પાક વર્ષ (અૉક્ટોબર-સપ્ટેમ્બર) દરમિયાન સીસીઆઈએ ટેકાના ભાવે 11.6 લાખ ગાંસડીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતાં ચાર ગણી છે, એમ કહીને કૉર્પોરેશનના અધિકારીઓએ ઉમેર્યું હતું કે ભાવ ટકી રહે તે જોવા માટે તેમની કંપની બજારમાં હાજરી જાળવી રાખશે.
કોટન કૉર્પોરેશનના સીએમડી પી અલ્લી રાણીએ કહ્યું હતું કે કપાસની ખરીદી ઓછી થઈ ગઈ છે પણ સાવ બંધ નથી થઈ. બજારભાવ વધી જવાથી પ્રાપ્તિરૂપી ખરીદી ઘટી ગઈ છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે દેશનાં વિવિધ બજારોમાં કૉર્પોરેશનનાં 348 કેન્દ્રો સક્રિય છે અને સમગ્ર પાકવર્ષ દરમિયાન ખુલ્લાં રહેશે જેથી બજાર ટકેલી રહે.
આ મોસમથી કૉર્પોરેશને કપાસ ઉગાડતાં રાજ્યોમાં જિનિંગ પ્રેસિંગ માટે ગુણવત્તાનાં વધુ કડક ધોરણો અમલી બનાવ્યાં છે. અત્યાર સુધી તેના નિયમોમાં ભેજ અને કચરાના પ્રમાણ વિશે થોડી અસ્પષ્ટતા હતી, જેનો કેટલાક જિનરો ગેરલાભ ઉઠાવતા હતા. ભારતીય કપાસમાં કરભેજ અને કચરાનું પ્રમાણ વધુ હોવાથી તેની ગુણવત્તા નબળી હોય છે. ભારત એક જ એવો નિકાસકાર દેશ છે જે ભેજ અને કચરા વિશે ગેરંટી આપે છે. ભારતે રૂના ફરજિયાત પગેરાની વ્યવસ્થા બે એક મહિના અગાઉ જ દાખલ કરી છે અને તેનો પૂરેપૂરો અમલ થતાં સમય લાગશે એમ અલ્લી રાણીએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કોટન કૉર્પોરેશન ટૂંક સમયમાં વ્યાપારી હેતુસર કપાસની ખરીદી શરૂ કરશે. `વ્યાપારી હેતુસર બીજી દસેક લાખ ગાંસડી ખરીદવાનો અવકાશ છે.' અત્યાર સુધી ટેકાના ભાવે કરાયેલી ખરીદીમાં 80 ટકા તેલંગણામાંથી કરાઈ છે; ત્યાર પછી મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓરિસામાંથી થોડી ખરીદી કરાઈ છે. અત્યાર સુધીમાં કપાસનો 67 ટકા પાક બજારમાં આવી ચૂક્યો હોવાનો અંદાજ છે.
દરમિયાન કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના કહેવા મુજબ આ વર્ષે કપાસનો પાક ગયા વર્ષથી ખૂબ ઓછો ઊતરવાની ધારણા છે. કેમ કે ત્રીજી, ચોથી કે પાંચમી વાર કાલાં ચૂંટવાનું કામ થનાર નથી.
સીએઆઈના 1 માર્ચના અંદાજ અનુસાર આ વર્ષે કપાસનો પાક ગયા વર્ષના 365 લાખ ગાંસડીથી ઘટીને 328 લાખ ગાંસડી થશે. સિઝનની ઊઘડતી પુરાંત 28 લાખ ગાંસડીથી હતી અને 28 ફેબ્રુઆરી સુધીમાં 213.42 લાખ ગાંસડીની આવકો અને 5.50 લાખ ગાંસડીની આયાત થઈ ચૂકી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer