ખાંડ મિલોને સસ્તી લોન આપવા માટેની મુદત વધારાઈ

ખાંડ મિલોને સસ્તી લોન આપવા માટેની મુદત વધારાઈ
લખનઊ, તા. 22 માર્ચ
કેન્દ્ર સરકારે અનેક આપત્તિઓનો સામનો કરી રહેલા ખાંડ ઉદ્યોગને હળવી શરતોએ લોન આપવા માટેની મુદત ચાર સપ્તાહ વધારી આપી છે. આ પગલાંથી શેરડીના ખેડૂતોને આપવાની બાકી રકમમાં થઈ રહેલા વધારાથી ત્રસ્ત મિલોને રાહત મળશે.
નવી સત્તાવાર યાદી અનુસાર જે મિલો 28 ફેબ્રુઆરીએ આપવાની થતી રકમના ઓછામાં ઓછા 25 ટકાની ચુકવણી 26 માર્ચ સુધીમાં કરી નાખે તેમને બૅન્કો હળવી શરતોએ લોન આપવાનું વિચારી શકશે.
મિલોએ શેરડીના ખેડૂતોને આપવાની થતી રકમની ગણતરી કેન્દ્ર સરકારે જાહેર કરેલા વાજબી અને વળતરદાયી ભાવ (ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ પ્રાઈસ ક્વિન્ટલ દીઠ રૂા. 275)ના આધારે કરાશે, નહીં કે ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ જાહેર કરેલા ભાવને આધારે.
વર્તમાન મોસમમાં ઉત્તર પ્રદેશે શેરડી માટે ક્વિન્ટલ દીઠ રૂા. 315નો ભાવ જાહેર કર્યો છે.
ફેબ્રુઆરી, 2019ના અંતે સ્થાનિક ખાંડ મિલોએ ખેડૂતોને શેરડી પેટે  રૂા.22,000 કરોડ ચૂકવવાના બાકી હતા, જેમાં રૂા. 10,000 કરોડ ઉત્તર પ્રદેશની મિલોના હતા. છેલ્લાં થોડાં સપ્તાહોમાં ખાંડનું ઊંચું ઉત્પાદન, મંદ માગ અને સુસ્ત પડેલા ભાવને લીધે ખાંડ મિલો દ્વારા કરાયેલા ચુકવણાના ટકાવારીમાં ઘટાડો થયો છે.
હાલ ઉત્તર પ્રદેશના ખેડૂતોની બાકી રકમ રૂા. 12,000 કરોડ (રાજ્ય સરકારના ભાવના આધારે) અને સમગ્ર દેશના ખેડૂતોની બાકી રકમ રૂા. 24,000 કરોડ અંદાજાય છે. ``ખેડૂતોને નાણાં ચૂકવવાના દબાણને લીધે મિલોને ખાંચ નીચા ભાવે વેચવાની ફરજ પડે છે. એમ કરવાથી તેમની આવક ઘટે છે અને ચુકવણાના ટકાવારીમાં ઘટાડો થાય છે એમ ખાંડ ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે એવો દાવો કર્યો હતો કે જે ખાંડ મિલોની લોનોને એનપીએ જાહેર કરાઈ હોય તે મિલોને હળવી શરતે લોન આપવા માટે બૅન્ક ગેરંટી પૂરી પાડવા ઉત્તર પ્રદેશ સરકાર તૈયાર નથી. ``સત્તાવાર યાદીમાં કેન્દ્ર સરકારે રાજ્યોને એનપીએ લોન ધરાવતી મિલો વતી બૅન્ક ગેરંટી પૂરી પાડવાની સૂચના આપી છે, પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર આ સવલત આપવા તૈયાર નથી. તેથી નાની અને જરૂરિયાતમંદ મિલો સસ્તી લોન મેળવી શકશે નહીં, જ્યારે મોટી બૅન્કો જેમને આમ પણ બૅન્કો છૂટથી લોન આપવા તૈયાર હોય છે તેઓ આ યોજનાનો લાભ થશે.
યોજના અનુસાર લોન મંજૂર થાય એટલે મિલ પાસેથી ખેડૂતોની યાદી મેળવીને બૅન્ક જાતે જ તેમનાં ખાતામાં મંજૂર થયેલી રકમ ભરી દેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer